BHUJKUTCH

કચ્છના દરિયાકાંઠે મળી આવતી માછલીની વિવિધ પ્રજાતિઓની અમેરિકા અને એશિયાઈ જેવાં દેશોમાં થાય છે નિકાસ

૯-જુલાઈ

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

ચારસો કિલોમીટરથી વધારે દરિયાઈ વિસ્તાર ધરાવતો કચ્છ જિલ્લો મત્સ્યસંપદાથી છે ભરપૂર.

કચ્છના માંડવી, મુંદ્રા, જખૌ સહિત ૧૮ મત્સ્ય કેન્દ્રો દસ હજારથી વધારે માછીમારો માટે બન્યા છે આજીવિકાનું સાધન.

સરકારશ્રીના સહયોગથી જિલ્લાનું વાર્ષિક મત્સ્ય ઉત્પાદન ૩૧,૯૫૨ મેટ્રિક ટન સુધી પહોંચ્યું છે.

કચ્છના દરિયાકાંઠે મળી આવતી માછલીની વિવિધ પ્રજાતિઓની અમેરિકા અને એશિયાઈ દેશોમાં થઈ રહી છે નિકાસ.

ભુજ કચ્છ :- ૧૦મી જુલાઈને રાષ્ટ્રીય મત્સ્યપાલક દિવસ તરીકે ઊજવવામાં આવે છે. કચ્છ જિલ્લો અનેક ઉદ્યોગોક્ષેત્રે અગ્રેસર બન્યો છે ત્યારે વિશાળ દરિયાકિનારાના લીધે મત્સ્યોદ્યોગમાં પણ મહત્વનું સ્થાન ધરાવે છે. ગુજરાત સરકારશ્રીના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ કચ્છ જિલ્લાનો મત્સ્યોદ્યોગ વિભાગ કાર્યરત છે. ગુજરાત રાજ્યમાં કુલ ૧૬૦૦ કિ.મી.નો દરિયા કિનારો આવેલો છે. જે પૈકી ૪૦૭ કિલોમીટરનો દરિયા કિનારો કચ્છ જિલ્લામાં આવેલો છે. કચ્છ જિલ્લાના મત્સ્યોદ્યોગની મુખ્ય જિલ્લા કચેરી ભુજ ખાતે આવેલી છે. જે મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકના વડપણ હેઠળ કાર્યરત છે. જખૌ, માંડવી અને મુન્દ્રા બંદર ખાતે પેટા કચેરીઓ અસ્તિત્વમાં છે. તદુંપરાંત કુલ ૧૮ મત્સ્ય કેન્દ્રો જેમાં મુખ્યત્વે માંડવી તાલુકાના માંડવી, મોઢવા, નાના લાયજા અને ત્રગડી, મુંદ્રા તાલુકાનાં જૂના બંદર- મુંદ્રા, કુકડસર, લૂણી, નવીનાળ અને ઝરપરા, અંજાર તાલુકાનાં સંઘડ અને તુણાવંડી, ગાંધીધામ તાલુકામાં કંડલા, અબડાસા તાલુકામાં જખૌ બંદર અને લખપત તાલુકાનાં નારાયણ સરોવર અને લખપત તેમજ ભચાઉ તાલુકામાં સૂરજબારી આમ ૧૮ મત્સ્ય ઉતરાણ કેન્દ્રો કચ્છ જિલ્લામાં આવેલા છે. જિલ્લામાં કુલ ૧૦,૦૦૦ જેટલા સક્રિય માછીમારો દરિયાઈ મત્સ્યોદ્યોગની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. જિલ્લામાં કુલ ૧૬૧૦ યાંત્રિક માછીમારી બોટો નોંધાયેલી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોને લીધે કચ્છનું દરિયાઈ વાર્ષિક મત્સ્ય ઉત્પાદન ૩૧,૯૫૨ મેટ્રિક ટન સુધી પહોંચ્યું છે.

 

*કચ્છ જિલ્લાની દરિયાઈ મત્સ્ય પ્રજાતિઓ :*

 

કચ્છ જિલ્લામાં મુખ્યત્વે ઝીંગા, પાપલેટ, સુરમાઈ, ટિંટણ (લોબસ્ટર), કરચલા (ક્રેબ), ઘોલ અને બૂમલા જેવી પ્રજાતીની માછલીઓ મળી આવે છે. મુંદ્રા અને માંડવીના દરિયાઈ વિસ્તારમાં ટિંટણ (લોબસ્ટર) જાતિની પ્રજાતિનું ઉત્પાદન મુખ્યત્વે થાય છે. જેની પ્રોસેસ કરી સાઉથઈસ્ટ એશિયાના દેશો, યુરોપ અને અમેરીકાના દેશોમાં નિકાસ કરવામાં આવે છે. જખૌના દરિયાઈ વિસ્તારમાં ઝીંગા, પાપલેટ, સુરમાઈ અને રાવસ જાતિની પ્રજાતિઓ બહોળા પ્રમાણમાં મળી આવે છે. જ્યારે લખપત અને નારાયણ સરોવરના દરિયાઈ વિસ્તારમાં ક્રિક એરિયા વધારે હોવાથી ત્યાં મુખ્યત્વે ઘોલ અને રાવસ જાતિની પ્રજાતીઓ મળી આવે છે. જેની પણ પ્રોસેસ કર્યા બાદ વિદેશમાં નિકાસ કરવામાં આવે છે.

 

*માછીમારો-મત્સ્ય વેપારીઓ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ બની છે આર્શીવાદરૂપ*

 

મત્સ્યોદ્યોગ ખાતાની વિવિધ યોજનામાં કચ્છમાં વર્ષ ૨૦૨૨-૨૩માં માછીમારોને ગીલનેટની ખરીદી ઉપર રૂ. ૯.૭૫ લાખની સહાય, પોલીપ્રોપેલીન રોપમાં રૂ. ૮.૬૩ લાખની સહાય, ભાંભરાપાણીમાં મત્સ્યોદ્યોગની તાલીમ સહાયના રૂ. ૩૨૦૦૦ તેમજ લાઈફ સેવિંગ એપ્લાયન્સમાં રૂ. ૨ લાખની સહાય આપવામાં આવી છે. માછીમાર અરજદાર દ્વારા i-khedut પોર્ટલના માધ્યમથી અરજી કરવામાં આવે છે. જે અરજદારો લાયક હોય તેમને સૈદ્ધાંતિક મંજૂરી આપી અને ડાયરેક્ટ બેનિફિસિયરી ટ્રાન્સફર (DBT) ના માધ્યમથી અરજદારના બેંક ખાતામાં સીધી જ સહાયની રકમ ચૂકવવામાં આવે છે.

ભારત સરકાશ્રીની પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માછીમારો માટે આર્શીવાદરૂપ બની છે. ખાસ કરીને જથ્થાબંધ માછીમારી કરતા હોય તેવા મત્સ્ય વેપારીને રેફ્રિજરેટર વાનની ખરીદી માટે આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે. જેથી વેપારીઓ ગુણવત્તાયુક્ત માછલીઓને શહેરો સુધી, નજીકના મત્સ્યકેન્દ્રો સુધી આરોગ્યપ્રદ સ્થિતિમાં પહોંચાડી શકે છે.

 

રાજ્ય સરકારશ્રીની રેફ્રિજરેટર વાનના યોજનાના લાભાર્થી બશીર આમદ કુંગડા જણાવે છે કે, રેફ્રીજેટર વાન મળવાથી તેઓ હવે અન્ય બંદરો સુધી આરોગ્યપ્રદ સ્થિતિમાં માછલીઓ પહોંચાડી શકે છે. આ વાન તેમની કમાણીનું સાધન બની છે. રેફ્રિજરેટર વાનની ખરીદીમાં આર્થિક સહાય બદલ તેઓએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, તેઓને રાજ્ય સરકારશ્રીની રેફ્રિજરેટર વાન યોજના અંતર્ગત રૂ. પાંચ લાખની સહાય આપવામાં આવી છે.

 

કચ્છ જિલ્લામાં મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા દરિયામાં માછીમારી કરતાં માછીમારી બોટના વી.આર.સી (Vessels Registration Certificate) (કોલ), લાઇસન્સ આપવા તેમજ દરિયામાં માછીમારી અર્થે જતાં માછીમારોની નોંધણી ટોકન આપવામાં આવે છે. જે હાલમાં ઓનલાઈન ટોકન સિસ્ટમ મારફત થાય છે. મત્સ્ય કચેરીના ૧૮ મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ખાતેથી માછીમારી કરતી બોટોનું ઓનલાઈન સોફ્ટવેર મારફત બોટોની ચકાસણી કરવી તેમનું નિયમનની કામગીરી કરવામાં આવે છે. જે માટે મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ખાતે ફિશરીઝ ગાર્ડ તેમજ સાગરમિત્રની નિમણૂક કરવામાં આવી છે. માછીમાર જૂથ અકસ્માત વીમા યોજના, KCC (કિશાન ક્રેડીટ કાર્ડ), ઇ-શ્રમ કાર્ડ, ઝીંગા ઉછેરની તાલીમ આપવી અને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ કચ્છ જિલ્લાના નાના માછીમારો અને મોટા વેપારીઓ માટે આર્શીવાદરૂપ બની છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!