જૂનાગઢ ખાતે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી આઠ શિક્ષકોને શિક્ષકદિને શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડથી સન્માનિત કરાયા
જૂનાગઢ ખાતે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી આઠ શિક્ષકોને શિક્ષકદિને શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડથી સન્માનિત કરાયા

ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગ પ્રેરિત જિલ્લા વહિવટી તંત્ર અને શિક્ષાધિકારીની કચેરી, જૂનાગઢ દ્વારા જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોમાંથી વર્ષ ૨૦૨૪૨૫ માટે તાલુકા-જિલ્લા કક્ષાના શિક્ષક તરીકે પસંદગી પામેલા ૦૮ શિક્ષકોને ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસ એટલે કે શિક્ષક દિને સ્વામિનારાયણ વિદ્યા મંદિરના પ્રાર્થના હોલમાં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, પ્રમાણપત્ર અને રૂા.૧૫,૦૦૦ તેમજ રૂા.૫૦૦૦ના ચેક આપી શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમ ના મુખ્ય મહેમાનપદેથી જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરે ઉપસ્થિત શિક્ષણપ્રેમિ સંબોધતા જણાવ્યું હતું કે, આજે આપણાં પુર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન નો જન્મ દિવસ છે,તેઓ વિવિધ ધર્મ અને તત્વચિંતનનાં જાણીતા વિદ્વાન હતા, તેઓનો જન્મદિવસ ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે. શિક્ષક શ્રેષ્ઠ ગુરુ થકી જીવનમા આગળ વધવાનો રસ્તો બતાવ્યો છે. આજે શિક્ષક દિને શિક્ષકોનું સન્માન કરવાનો મોકો મળ્યો તે બદલ મને ખુબ જ આનંદ છે.જૂનાગઢ ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા જણાવ્યું કે આપણે ગૌરવ સાથે કહી શકીએ કે શિક્ષકે પોતાની જવાબદારી બાળકોમાં શિક્ષણ અને સંસ્કાર આપવાની સાથે પ્લાસ્ટિક મુક્ત સ્કૂલ બનાવવી, યોગનુ જ્ઞાન આપવું, વાંચનની એક્ટિવિટી વધારવી, નવા પુસ્તકો દ્વારા બાળકોને કેળવણીમાં વધારો થાય સાથે વ્યવસાયલક્ષી શિક્ષણ આપવું અને બાળકોને ભવિષ્યનું ઘડતર થાય તે માટેનું જ્ઞાન આપવું અને રમત સાથે ગમ્મત દ્વારા શિક્ષણ આપવાનું કાર્ય આજના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું છે.જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું કે આજના શિક્ષક સંવેદનશીલ હોવા જોઈએ. દરેક બાળકને યોગ્ય શિક્ષણ મળે તે સંવેદના દાખવવી જોઈએ. સાથે આજનો સમય ટેકનોલોજીનો છે જેમાં ટેકનોલોજી દ્વારા શાળામાં બાળકોને ટેકનોલોજીસભર શિક્ષણ પ્રાપ્ત થાય ઉપરાંત બાળકોને વ્યસન અંગે શિક્ષણ પ્રાપ્ત થાય જેના થકી આવનાર ભવિષ્યમાં વ્યસન મુક્ત જૂનાગઢ બનાવી શકાય.જૂનાગઢ જિલ્લામાંથી ૦૮ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી કે જેમણે શ્રેષ્ઠ શિક્ષક તરીકે કામગીરી કરી છે. જેમાં જિલ્લા કક્ષાએ મયુરકુમાર હરસુખભાઈ કવા, ડો.ખુશ્બુબેન ચંદ્રકાંત ગરાળા, બહાદુરસિંહ વનરાજસિંહ વાળાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, પ્રમાણપત્ર અને રૂા.૧૫,૦૦૦નો ચેક મહાનુભાવોના હસ્તે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે તાલુકા કક્ષાએ વાલીબેન પાંચાભાઇ ચાવડા, સંગીતાબેન દિનેશભાઈ ચૌહાણ, ચંદ્રેશકુમાર પ્રવીણકુમાર જોશી, ઉર્જાબેન લયેશકુમાર હિંડોચા, સરોજબેન હીરાલાલ મકવાણા ને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, પ્રમાણપત્ર અને રૂા.૫,૦૦૦નો ચેક મહાનુભાવોના હસ્તે આપી સન્માતિ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ દરમિયાન ધો.૫માં જ્ઞાનસેતુ અને ધો.૮માં જ્ઞાનસાધના પરીક્ષામાં રાજ્ય પરીક્ષાના મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ તકે ધારાસભ્ય દેવાભાઈ માલમ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નીતિન સાંગવાન, આસિસ્ટન્ટ કલેકટર એશ્વર્યા દુબે, જૂનાગઢ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતિ સાકરબેન દિવરાણીયા સહિતના મહાનુભાવો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન જિલ્લા શિક્ષણાધિકારી ભાવસિંહ વાઢેરે આપ્યું હતું અને આભાર વિધિ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પ્રાચાર્ય આશાબેન રાજ્યગુરુએ કરી હતી
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ







