યુવતીને મેડિકલમાં પ્રવેશ ન મળતાં ૧૩મા માળેથી છલાંગ લગાવી
આઈસક્રીમ લેવાનાં બહાને ઘર નજીકનાં બિલ્ડિંગે પહોંચીને આપઘાતઃ બે વાર 'નીટ' આપી છતાં જરૃરી સ્કેર ન આવતાં આત્યંતિક પગલુંં

જૂનાગઢની એક આશાસ્પદ યુવતીએ મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ ન મળવાથી કંટાળી જઈ ૧૩માં માળેથી છલાંગ લગાવી મોતને વ્હાલું કરી લીધુ છે. યુવતીએ પોતાના જન્મદિવસની ઉજવણી કરી આઈસ્ક્રિમ લેવા જવાના બહાને ઘરેથી નીકળી ઘર નજીક આવેલી બિલ્ડિંગ પર ચડી જઈ મોડી રાત્રિના આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. આ અંગે પોલીસે હાલ અકસ્માતે મોતનો બનાવ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારની શ્રીનગર સોસાયટીના બ્લોક નં.૯પમાં રહેતી વૃતિ જીતેશભાઈ વાઘેલા (ઉ.વ.૧૮) નામની યુવતીનો તા.૧૭ ઓગસ્ટે જન્મદિવસ હતો. ૧૮ વર્ષ પૂર્ણ થયાની ખુશી આ યુવતીએ તેના પરિવારજનો સાથે મનાવી હતી. બાદમાં તે આઈસ્ક્રિમ લેવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. યુવતી ગુમ થતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ તેનો કોઈ પત્તો ન લાગ્યો.
દરમિયાન, યુવતી પોતાનાં ઘર નજીક આવેલી બાલાજી હાઈટસ નામની ૧૩ માળની બિલ્ડિંગની અગાસી ઉપર ગઈ હતી. બાદમાં મોડી રાત્રીના ૧૩મા માળેથી નીચે છલાંગ લગાવતા અવાજ આવ્યો હતો. બાલાજી હાઈટસના સ્થાનિકોએ કશુંક અજુગતું બન્યાની આશંકા સાથે બહાર નીકળી જોયું તો યુવતી નીચે લોહીલુહાણ હાલતમાં હતી. આ વિશે પોલીસને જાણ કરવામાં આવતાં સી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પરંતુ યુવતીનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
આ સમગ્ર મામલે ડીવાયએસપી હિતેષ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, વૃતિ વાઘેલાએ ૧ર સાયન્સ પછી નીટની એકઝામ બે વાર આપી હતી પરંતુ બંને વાર જે સ્કોર થવો જોઈએ તે થયો નહી, નબળા સ્કેરને લીધે તેને મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ ન મળતા લાગી આવતા તેણે આત્મહત્યા કરી હોવાનું તેના પરિવારજનોએ જણાવ્યું છે. તેમ છતાં આ દિશામાં વધુ ઉંડાણપૂર્વકની તપાસ સી ડિવિઝનના પીએસઆઈ દ્વારા શરૃ છે.




