બરડા વન્યજીવ અભ્યારણ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી ભૂપેંદ્ર યાદવની ઉપસ્થિતિમાં વિશ્વ સિંહ દિવસની ગૌરવભેર ઉજવણી કરાઈ
મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂ.૧૮૦ કરોડના ખર્ચે વન વિભાગના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું

૧૪૩ વર્ષના લાંબા સમય બાદ બરડા ડુંગરમાં સિંહોએ કુદરતી રીતે પુનઃ વસવાટ શરૂ કર્યો છે.
****સિંહના વિચરણનો વિસ્તાર પાછલા અઢી દાયકામાં ૩ જિલ્લાથી વધીને ૧૧ જિલ્લા સુધી વિસ્તર્યો છે****
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
દ્વારકા : ગુજરાતના સાવજ આજે દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતીક બન્યા છે, તેવું આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડા વન્યજીવ અભ્યારણ ખાતે યોજાયેલા વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

ભગવાન શ્રી કૃષ્ણએ કુરૂક્ષેત્રના મેદાનમાં અર્જુનને આપેલા ગીતા સંદેશમાં કહ્યું છે કે, પ્રાણીઓમાં હું મૃગરાજ સિંહ છું.
૧૪૩ વર્ષના લાંબા સમય બાદ બરડા ડુંગરમાં સિંહોએ કુદરતી રીતે પુનઃ વસવાટ શરૂ કર્યો છે, તે વાતનો આનંદ વ્યક્ત કરીને મુખ્યમંત્રી ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બરડામાં સિંહ સંરક્ષણ માટે તમામ જરૂરી સહાય સુવિધાઓ આપવાની જાહેરાત કરી છે. વડાપ્રધાનના વિઝન અને વન વિભાગની પ્રો-એક્ટિવ પ્રેક્ટિસીસને લીધે ગીરમાં સિંહોની સફળ સંવર્ધન-ગાથા વૈશ્વિક બની છે. આપણા વનરાજનો વૈભવ જળવાઈ રહે અને ભવિષ્યમાં પણ સતત વધતો રહે તે માટે વડાપ્રધાનએ ‘પ્રોજેકટ લાયન’ શરૂ કરાવ્યો છે. આ પ્રોજેક્ટમાં સિંહના હેબિટેટ અને વસતિ પ્રબંધન, વન્ય પ્રાણી આરોગ્ય, માનવ અને પ્રાણી ઘર્ષણ, સ્થાનિક લોકોનો સહકાર, પ્રવાસન વિકાસ, વૈજ્ઞાનિક સંશોધન અને તાલીમ, ઇકો ડેવલપમેન્ટ તેમજ જૈવ વિવિધતાના સંરક્ષણ જેવી બાબતોને આવરી લેવામાં આવી છે.

વડાપ્રધાનએ હંમેશા પ્રકૃતિ, પર્યાવરણ અને પ્રાણીઓના સંરક્ષણને આપણી જવાબદારી ગણાવી છે, એવું કહીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, સ્થાનિક લોકો અને ગીરના સિંહો વચ્ચે ઇમોશન અને ઇકોનોમી બંન્નેનો સંબધ કેળવાયો છે. સિંહના વિચરણનો વિસ્તાર પાછલા અઢી દાયકામાં ૩ જિલ્લાથી વધીને ૧૧ જિલ્લા સુધી વિસ્તર્યો છે. સ્થાનિક રહેવાસીઓમાં “સિંહ છે તો અમે છીએ અને અમે છીએ તો સિંહ છે” એવી ભાવના જાગૃત થઈ છે.



વડાપ્રધાનએ સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને વધારીને ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપવાનું આહવાન કર્યું છે, તે જણાવી મુખ્યમંત્રીએ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરીને રૂરલ ઇકોનોમી વધુ મજબૂત કરવાની દિશામાં આગળ વધવાની વાત ઉપર પણ ભાર મૂક્યો હતો.

ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ પર વિશ્વ સિંહ દિવસના અવસરે નવા રહેઠાણ અને વન – પર્યાવરણ વિભાગની નવીન પરિયોજનાઓના લોકાર્પણની શુભકામના પાઠવી કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેંદ્ર યાદવે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનના દૃઢ સંકલ્પને રાજ્ય સરકારે સુપેરે પાર પાડ્યો છે. ગૌરવની વાત છે કે એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીર પ્રદેશમાં જોવા મળે છે. 
કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, પ્રકૃતિ અને મનુષ્ય એકબીજાના પૂરક છે. જેનું ઉત્તમ ઉદાહરણ ગીર પ્રદેશમાં વસવાટ કરતા માલધારીઓ અને સિંહો વચ્ચે અનોખો બંધન જોઈ શકાય છે. આજે સમગ્ર વિશ્વ માટે ઈકો સેન્ટ્રિઝમના ભારતના પ્રયાસો પ્રેરણારૂપ બન્યા છે. ગત વર્ષે સાસણ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યોજાયેલ નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની મિટિંગમાં વડાપ્રધાનએ ગુજરાત માટે સિંહોની વસ્તીમાં વધારો કરવા અને સિંહોના નવા રહેઠાણ એવા બરડા વન્યજીવ અભયારણ્યને વિકસાવવા માટે જે સંકલ્પ કર્યો હતો તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સુપેરે પાર પાડ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે, બરડા વન્યજીવ અભયારણ્યમાં ઘણા દાયકાઓ બાદ સિંહોનો પુનઃ વસવાટ થતા બરડાની જૈવ વિવિધતામાં નવી ઊર્જાનો સંચાર થતા ઇકો ટુરીઝમમાં વધારો થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જળવાયુ પરિવર્તન સામે રક્ષણ માટે ‘મિશન લાઇફ’ તથા ‘એક પેડ માઁ કે નામ અભિયાન’ની શરૂઆત કરાવી છે. ‘એક પેડ મા કે નામ અભિયાન’ એ આપણી લાઈફ સ્ટાઈલ, પ્રકૃતિ સાથેનું જોડાણ અને સુરક્ષા માટેનો સૌથી મોટો સંકલ્પ છે. એટલે મારો સૌને અનુરોધ છે કે વિકસિત ભારતના સંકલ્પને સાકર કરતાં તથા સમૃદ્ધ ભારતના નિર્માણમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરીએ.
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યુ હતું કે, રાજ્યમાં ગીર સિવાય પ્રથમ વખત બરડા અભયારણ્ય ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ રહી છે. દેશનું ગૌરવ એવા એશિયાટિક સિંહો આપણા ગુજરાતમાં વસવાટ કરે છે તે વાતનું સૌને ગર્વ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને સિંહોનું સંરક્ષણના પ્રયાસોથી રાજ્યમાં સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યમાં પ્રથમ વખત અદ્યતન ટેકનોલોજીની મદદથી સિંહોની ગણતરી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ટીંબડી પાસે આવેલા બરડા વન્યજીવ અભયારણ્યમાં ૧૪૩ વર્ષ પછી સિંહોનો પુનઃ વસવાટ થઈ રહ્યો છે. બરડામાં ૪૦૦થી વધુ ઔષધીય વૃક્ષો, છઠ્ઠી સદીનો નવલખા મંદિર થી માંડીને વિવિધ ધાર્મિક સ્થાનો, કુદરતી ઝરણા આવેલા છે. પરિણામે સિંહોએ બરડા અભયારણ્યને પોતાના બીજા ઘર તરીકે સ્વીકાર્યું છે.
રૂ.૧૮૦.૧૨ કરોડના ખર્ચે મુખ્યમંત્રીએ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો તથા યોજનાઓની જાહેરાત કરી હતી. જેમાં બરડા અભયારણ્ય ખાતે મુખ્યમંત્રીએ ૨૪૮ હેકટર વિસ્તારમાં નવીન સફારી પાર્ક અને ઇન્ટરપ્રિટેશન સેન્ટર તેમજ પ્રવાસી સુવિધાઓ અંગેની જાહેરાત કરી હતી. આ સુવિધાઓ રૂપિયા ૭૫ કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. આ ઉપરાંત તૃણાહારી પ્રાણીઓના સંવર્ધન પ્રજનન કાર્યક્રમ માટે ૧૦.૯૬ કરોડના ખર્ચે બ્રીડિંગ સેન્ટરોનું નિર્માણ, વન વસાહતી ગામો અને ઇકો સેન્સેટિવ ઝોન વિસ્તારમાં ઇકો ડેવલપમેન્ટની કામગીરી માટે રૂ.૭.૫૭ કરોડના ખર્ચે ૧૩૭ કામો, જે.આઈ.સી.એ પ્રોજેક્ટ હેઠળ ૭૨૦ ગામડાઓમાં રૂ ૩૫.૬૨ કરોડના ખર્ચે સામૂહિક વિકાસ કામો અંગેની જાહેરાત, રૂ.૭ કરોડના ખર્ચે વન્યપ્રાણી માટે રેસ્ક્યુ સેન્ટર અને ક્વિક રિસ્પોન્સ સિસ્ટમ, રૂ.૨૧ કરોડના ખર્ચ બરડા વિસ્તારના માલધારીઓ માટે સ્વૈચ્છિક સ્થળાંતરની યોજના, ૯.૯૪ કરોડના ખર્ચે ફ્રન્ટ લાઈન સ્ટાફ માટે કુલ ૨૦ આવાસ અને ઓફિસ બિલ્ડીંગના કામો, રૂ.૫ કરોડના ખર્ચે ચાડવા રખાલમાં કેરાકલ (હેણોતરા) સંવર્ધન, રૂ. ૬૫ લાખના ખર્ચે સી.એસ.આ.ર હેઠળ ગીર વિસ્તારના ટ્રેકર્સનો વીમા અને સ્વાસ્થ્ય કવચ, રૂ.૬.૯૮ કરોડના ખર્ચે પેટ્રોલિંગ અને મોનિટરિંગ માટે ૩ રેસ્કયુ વ્હિકલ ૨૦૦ બાઇક અને ૪૪ યુટિલિટી વ્હિકલ અર્પણ કરવામાં આવ્યા હતા તથા ૨૪ ઇકો ટુરિઝમ સાઇટના બુકિંગ પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો.
વન અને પર્યાવરણ વિભાગના અગ્રસચિવ સંજીવ કુમારે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ ગુજરાતના ગૌરવ એવા એશિયાટિક લાયનના સંવર્ધનનું કાર્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગળ વધારવામાં આવી રહ્યું છે, જેમાં મંત્રી ભૂપેંદ્ર યાદવના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયનો સહયોગ સાંપડ્યો છે.સિંહોનું બીજું ઘર અને પ્રાકૃતિક સૌંદર્ય, ઐતિહાસિક મહત્વ અને ભવ્ય સાંસ્કૃતિક ધરોહર ધરાવતો બરડો ડુંગર પ્રવાસીઓ માટે આકર્ષક સ્થળ બન્યું છે.








