વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ઇતિહાસનાં સાક્ષીરૂપ ડાંગ દરબારનાં કાર્યક્રમમાં સતત બીજા વર્ષે મહામહિમ રાજ્યપાલ ઉપસ્થિત ન રહેતા ડાંગનાં વાસુર્ણા સ્ટેટનાં રાજવી ધનરાજસિંહ સૂર્યવંશીએ જાહેરમંચનાં સ્ટેજ પર નારાજગી વ્યક્ત કરતા કાર્યક્રમનાં સ્થળે સોંપો પડી જવા પામ્યો હતો.ભારતવર્ષનો ઇતિહાસનો સાક્ષીરૂપ ડાંગ દરબારનો સમારોહ ડાંગી રાજાઓનાં માન પાનમાં યોજાય છે.ડાંગ દરબાર સમારોહમાં રાજવીઓને ભૂતકાળનાં હક્કો અને સવલતોનાં બદલામાં નિર્ધારિત કરેલ રાજકીય સાલીયાણુ અને સન્માનનો દરજ્જો દરવર્ષે રાજ્યનાં મહામહિમ રાજ્યપાલનાં હસ્તે આપવામાં આવે છે.પરંતુ છેલ્લા બે વર્ષથી યોજાતા ડાંગ દરબાર મેળામાં રાજ્યપાલ ઉપસ્થિત ન રહેતા રાજવીઓ સહિત ડાંગની પ્રજામાં નારાજગી વ્યાપી જવા પામી છે.ડાંગ જિલ્લાના આહવા ખાતે યોજાયેલા પરંપરાગત ડાંગ દરબાર સમારોહમાં મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સતત બીજા વર્ષે ગેરહાજરીથી રાજવીઓ અને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી હતી.સાથે ડાંગ દરબાર ફિક્કો સાબિત થયો હતો.દર વર્ષે રાજ્યપાલનાં હસ્તે તમામ પાંચ રાજવીઓનું સન્માન કરવામાં આવતુ હતુ.જોકે, ડાંગ જિલ્લાની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા ડાંગ દરબારમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સતત બીજા વર્ષે પણ હાજર ન રહેતા ડાંગ દરબારનાં અસ્તિત્વ સામે ખતરો મંડરાયો છે.આ ઘટનાથી રાજવીઓ અને સ્થાનિકોમાં નિરાશા અને નારાજગી ફેલાઈ હતી.પરંપરાગત રીતે, રાજ્યપાલ ડાંગ દરબાર સમારોહના મુખ્ય ઉદ્ઘાટક હોય છે અને તેઓ રાજવીઓનું અદકેરૂ સન્માન કરે છે. તેમની ગેરહાજરીને કારણે ડાંગ દરબારની પરંપરા તૂટી હતી.જેના પગલે ડાંગ દરબારનાં જાહેર સ્ટેજ પરથી ડાંગ વાસુર્ણા સ્ટેટનાં રાજવી ધનરાજસિંહ સૂર્યવંશીએ રાજવીઓની ઉપેક્ષા થતી હોવાનું જણાવી નારાજગી વ્યક્ત કરી હતી.ડાંગ દરબાર સમારોહમાં સતત બીજા વર્ષે પણ રાજ્યપાલ ઉપસ્થિત ન રહેતા ડાંગ જિલ્લાનાં વાસુર્ણા સ્ટેટનાં રાજવી ધનરાજસિંહ સૂર્યવંશીએ વસવસો વ્યક્ત કરતા સમારોહ કાર્યક્રમમાં સોંપો પડી ગયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગનું ઘટાદાર જંગલ એટલે ઇમારતી લાકડાની ઉપજની સાથે સોનાનાં ઘરેણાની ઓળખ ધરાવે છે.આ સોનાની લગડી ડાંગ જિલ્લાની રાજાઓની દેન છે.ત્યારે મૂલ્યવાન જંગલો અને જમીન જે તે સમયે ડાંગનાં રાજવીઓએ સરકારને આપી દીધા હતા.જે સંપત્તિનાં બદલામાં અવેજપેટે ભારતવર્ષમાં માત્ર ડાંગનાં રાજવીઓને જ સાલીયાણુ અને સન્માન આપવામાં આવે છે.ત્યારે ડાંગ દરબારની દરવર્ષની ઐતીહાસિક પરંપરા રાજ્યપાલનાં હસ્તે નિભાવવામાં આવતી હતી.જે પરંપરા છેલ્લા બે વર્ષથી અચાનક ગાયબ થઈ જતા રાજવીઓનાં ઇતિહાસનાં સાક્ષી સમાન ડાંગ દરબારનાં અસ્તિત્વ સામે ખતરો મંડરાયો છે.ત્યારે આવનાર સમયમાં ડાંગ દરબારનું અસ્તિત્વ જળવાશે કે પછી કાયમ માટે ભૂંસાઈ જશે તે સમય જ બતાવશે..