GUJARATIDARSABARKANTHA

કામધેનુ યુનિવર્સિટી દ્વારા તાજપુર ગામે મહિલા પશુપાલકો માટે ‘આદર્શ પશુપાલન તાલીમ શિબિર’ કાર્યક્રમ યોજાયો

કામધેનુ યુનિવર્સિટી દ્વારા તાજપુર ગામે મહિલા પશુપાલકો માટે ‘આદર્શ પશુપાલન તાલીમ શિબિર’ કાર્યક્રમ યોજાયો*
**
*પશુપાલન વ્યવસાય થકી મહિલાઓની આર્થિક-સામાજિક સ્થિતિમાં સુધારો લાવવા નવીનતમ ટેકનોલોજી અપનાવવી આવશ્યક છે: ડૉ. પી. એચ. ટાંક, કુલપતિ, કામધેનુ યુનિવર્સિટી*
**
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર ગામના મહિલા પશુપાલકો માટે એક દિવસીય ‘આદર્શ પશુપાલન મહિલા તાલીમ શિબિર’ કાર્યક્રમ કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. પી. એચ. ટાંકના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

આ તાલીમ શિબિર દરમિયાન કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. પી. એચ. ટાંકે પશુપાલકોને જણાવ્યું હતું કે, કામધેનુ યુનિવર્સિટી પશુપાલન વ્યવસાય થકી મહિલાઓની આર્થિક-સામાજિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો લાવવા ગુજરાત રાજ્યમાં તત્પર છે, જે માટે કામધેનુ યુનિવર્સિટી રાજ્યના પશુપાલકોના હિતમાં પશુ સારવાર કેમ્પ, શિબિરો, મેળાઓ અને પ્રદર્શનો યોજે છે. વધુમાં તેમણે સ્વચ્છ દૂધ ઉત્પાદન અને દૂધની પેદાશોનું મૂલ્યવર્ધન કરી વધુ નફો મેળવવા તથા પશુપાલન વ્યવસાયમાં જાગૃતિ લાવી, નવી ટેકનોલોજી અપનાવી આગળ વધવાનું સૂચન કર્યું હતું. તેમણે ઘાસચારાની નવી તથા પોષણક્ષમ જાતો ઉગાડવા જણાવ્યું હતું તથા દૂધ ઉત્પાદનમાં પશુપોષણનું મહત્વ સમજાવ્યું હતું.

આ શિબિરમાં ડૉ. શ્રદ્ધા વેકરીયાએ પશુ પોષણ વિશે પશુપાલકોને માહિતગાર કર્યા હતા. જ્યારે ડૉ. એમ. બી. રાજપૂતે આદર્શ પશુ રહેઠાણ, વ્યવસ્થા અને પશુ માવજત વિશે પશુપાલકોને માર્ગદર્શન આપ્યું હતું. ડૉ. જીમી પટેલે પશુ પ્રજનનની સમસ્યાઓ અને તેના નિરાકરણ વિશે સમજાવ્યું હતું. વધુમાં નિષ્ણાતો દ્વારા પશુપાલકોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિર કાર્યક્રમમાં તાજપુર ગામના ૨૦૦ થી વધુ પશુપાલક મહિલાઓ તથા ભાઈઓએ ઉપસ્થિત રહી ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ પ્રસંગે કામધેનુ યુનિવર્સિટીના સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. જે. એસ. પટેલ, પ્રગતિશીલ મહિલા પશુપાલક શ્રીમતી રમીલાબેન ચૌધરી તથા તાજપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન શ્રી જી. કે. મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!