કનુભાઈ દેસાઈએ વટાર રોડ સ્ટ્રેન્થનિંગ-વાઇડનિંગ અને બલીઠા જોઈનીંગ RCC રોડના રૂ.૯.૫ કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વટાર ખાતેથી માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા રૂ. ૯.૫ કરોડના સ્ટ્રેન્થનિંગ, રોડ વાઇડનિંગ અને આર.સી.સી રોડ બનાવવાના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. વટાર કલારીયા રોડનું રૂ. ૫.૭૧ કરોડના ખર્ચે સ્ટ્રેન્થનિંગ અને વાઇડનિંગ તેમજ મોરાઇ આલોક કંપની થી બલીઠા જોઇનિંગ રોડનું રૂ. ૩.૭૭ કરોડના ખર્ચે આરસીસી રોડ બનાવવાની કામગીરી કરવામાં આવશે.
ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, જિલ્લામાં વટાર ગામ વર્ષોથી આગળ પડતું ગામ છે. અનેક વિકાસના કામો થયા છે, તેમાં પણ મહાનગરપાલિકામાં સમાવેશ બાદ હજુ વધુ પ્રગતિ કરશે એવી આશા છે. આ રસ્તો બનવાથી વટારની હવે દરેક જગ્યાઓ સાથે સીધી કનેક્ટિવીટી થશે. વટારના વિકાસ માટે દરેક સાથે મળીને શ્રેષ્ઠ કામગીરી કરવાનો પ્રયાસ કરીશું.
કાર્યક્રમમાં વિકાસકાર્યોની રૂપરેખા આપતા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઇજનેર ભાવેશભાઇ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું.
કાર્યક્રમમાં વીઆઇએ પ્રમુખ સતિષભાઇ પટેલ, સંગઠન મહામંત્રીઓ, સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારી સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.