
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં મુખ્યમથક આહવામાં ક્રાંતિનગર વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિરનાં પ્રાંગણમાં પેવરબ્લોકનાં નવીનીકરણનાં કામનો પ્રારંભ કરતા ભક્તોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે.આ મંદિર સ્થાનિક લોકો અને આજુબાજુનાં ગામોનાં ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે.જોકે, છેલ્લા ઘણા સમયથી મંદિરનાં પટાંગણમાં વારંવાર પાણી અને કાદવ ભરાઈ જવાની સમસ્યા સર્જાતી હતી, જેના કારણે ભક્તો અને દર્શનાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને, ક્રાંતિનગરના રહેવાસીઓ અને મંદિરના ભક્તો દ્વારા આહવા ગ્રામપંચાયતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ગંભીરતાથી લઈને,ડાંગ જિલ્લા ભાજપાનાં મહામંત્રી અને આહવા ગ્રામપંચાયતનાં ઉપસરપંચ હરિરામભાઈ સાંવત અને વોર્ડ નંબર ૧૩ના સભ્યો દ્વારા સ્વખર્ચે પેવરબ્લોકનાં નવીનીકરણ માટે કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સ્થાનિક લોકોમાં ગ્રામપંચાયતની કાર્યક્ષમતા અને સંવેદનશીલતા પ્રત્યે સંતોષની લાગણી જોવા મળી રહી છે.અહી શુભ મુહૂર્તમાં શ્રીફળ વધેરીને આ નવીનીકરણનાં કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આહવા ગ્રામ પંચાયતનાં ઉપસરપંચ હરિરામભાઈ સાંવત,ક્રાંતિનગરના રહેવાસીઓમાં દિનેશભાઈ, પરસ્યાભાઈ,ગૌતમભાઈ, દક્ષાબેન, ઉમેશભાઈ, ધર્મેશભાઈ સહિત આહવા ગ્રામપંચાયતનાં વોર્ડ નંબર ૧૩ના સભ્ય મનિષાબેન, યશુમતીબેન, અપ્પુભાઈ, સરલાબેન, રાહુલભાઈ, જયેશભાઈ, બોન્ડેભાઈ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.આ કામ પૂર્ણ થયા બાદ મંદિરનું પ્રાંગણ સ્વચ્છ અને સુવિધાજનક બનશે,જેનાથી ભક્તોને સરળતાથી દર્શન કરવાનો લાભ મળશે. સ્થાનિક રહીશોએ આ પહેલ બદલ આહવા ગ્રામપંચાયતના ઉપસરપંચ અને વોર્ડના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.આ કામગીરી અન્ય વિસ્તારો માટે પણ એક ઉદાહરણ પૂરું પાડશે કે કેવી રીતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકોની સમસ્યાઓનું નિવારણ લાવી શકે છે..




