કરમસદ પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો

કરમસદ પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો
તાહિર મેમણ – આણંદ – 12/12/2024 – આણંદ જિલ્લાના કરમસદ ગામમાં આવેલ પીએમશ્રી સજના તલાવડી પ્રાથમિક શાળા ખાતેથી આજરોજ મુખ્યમંત્રીશ્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત રાજ્યની 32 હજાર જેટલી શાળાઓના 41 લાખ જેટલા બાળકો લાંભાન્વિત થશે. શાળાની બાળાઓએ સુખના સરનામા નામની પુસ્તિકા અને તુલસી ક્યારાથી મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ શાળાના બાળકોને સ્વહસ્તે અલ્પાહાર કરાવ્યો હતો.
આ પ્રસંગે આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ શાળાની રેકર્ડ સહિતની ભૌતિક ચકાસણી કરી, માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. જ્યારે, જિલ્લા પુરવઠા અધિકારી જીજ્ઞાબેન પટેલે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાર યોજનાની વિસ્તૃત જાણકારી આપી હતી અને બાળકોને જંકફૂડથી દુર રહીને પોષણયુક્ત આહાર લેવા માટેનો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી અર્ચના બેન પ્રજાપતિ, મામલતદાર અનિલભાઈ પટેલ, શાળાના આચાર્ય જિનીશાબેન શાહ, શિક્ષણગણ સહિત શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.




