
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવનાં માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા સંવેદનશીલ અભિયાન “ઓપરેશન મિલાપ”ને વ્યાપક સફળતા મળી છે. આ ઓપરેશન અંતર્ગત ડાંગ પોલીસે અત્યાર સુધીમાં કુલ ૧૧ ગુમ અથવા અપહરણ થયેલા વ્યક્તિઓને સફળતાપૂર્વક શોધી કાઢીને તેમના પરિવારજનો સાથે હર્ષભેર પુનઃમિલન કરાવ્યું છે, જેના કારણે અનેક પરિવારોમાં ફરીથી ખુશીનું વાતાવરણ છવાઈ ગયું છે.પોલીસની સંવેદના અને માનવતાના ઉત્કૃષ્ટ ઉદાહરણરૂપ આ અભિયાનની શરૂઆત ઓગસ્ટ ૨૦૨૫ માં કરવામાં આવી હતી. આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ ૨૦૦૭ થી આજદિન સુધીના ગુમ થયેલા તમામ લોકોને શોધી કાઢવાનો હતો. આ જટિલ અને મહત્ત્વપૂર્ણ કાર્યને પાર પાડવા માટે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ખાસ ટીમોની રચના કરવામાં આવી હતી.ગુમ વ્યક્તિઓને શોધવા માટે પોલીસે વૈજ્ઞાનિક અને તકનીકી અભિગમ અપનાવ્યો હતો. આ ટીમો દ્વારા ગુમ થયેલા લોકોની ભાળ મેળવવા માટે અનેક માધ્યમોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.સ્થાનિક સ્તરે માહિતી એકત્રિત કરવી અને વિશ્વસનીય સૂત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આધુનિક ટેક્નોલોજી અને સર્વેલન્સ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.જાહેર સ્ત્રોતો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી માહિતી એકત્રિત કરવામાં આવી હતી.પોલીસ અને અન્ય સરકારી ડેટાબેઝમાં ગુમ વ્યક્તિઓ વિશેની માહિતીની ચકાસણી કરવામાં આવી હતી. આ અવિરત અને સઘન પ્રયત્નોના પરિણામે, ડાંગ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. અત્યાર સુધીમાં “ઓપરેશન મિલાપ” હેઠળ કુલ ૧૧ ગુમ વ્યક્તિઓને શોધી કાઢવામાં આવ્યા છે. આ વ્યક્તિઓને જ્યારે તેમના પ્રિયજનો સાથે ફરીથી મળાવવામાં આવ્યા, ત્યારે પરિવારજનોના ચહેરા પરની ખુશી અને સંતોષની લાગણી ખરેખર વર્ણવી ન શકાય તેવી હતી.પોલીસની આ કામગીરી માત્ર તેમની વ્યવસાયિક ઉત્કૃષ્ટતાનું પ્રદર્શન નથી, પરંતુ માનવતા પ્રત્યેની તેમની અદભૂત નિષ્ઠા અને સંવેદનશીલ અભિગમનું જીવંત સાક્ષી છે. ખાખી વર્દી પાછળ છુપાયેલી સંવેદના અને કરુણા આ ઓપરેશનની સફળતાનું મુખ્ય કારણ બની રહી છે.





