
ખેડા જિલ્લાના માતરનાં પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ લીંબાસી ગામ ખાતે ધમધમતા દારૂનાં અડ્ડા પર ગઈકાલે જનતા રેડ કરી હતી. LIVE રેડ કરીને બુટલેગરને પોલીસ છાવરતી હોવાનો ધારાસભ્યે પર્દાફાશ કર્યો હતો. સાથે પોલીસ અધિકારીઓનો ઉધડો પણ લીધો હતો. જો કે, તેમની આ કાર્યવાહી અને જૂના વિવાદોને લઈ કેસરીસિંહને ભાજપે સજા આપી હોય તેમ તમામ હોદ્દાઓ પરથી સસ્પેન્ડ કર્યા છે એવા અહેવાલ છે.
ખેડા જિલ્લાના માતરનાં પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ગઈકાલે તારાપુર હાઇવે નજીક આવેલા લીંબાસી ગામમાં ધમધમતા દારૂનાં અડ્ડા પર લાઇવ જનતા રેડ કરી હતી અને બુટલેગરને પોલીસ છાવરતી હોવાનો અને હપ્તાખોરીનો પર્દાફાશ કર્યો હતો. રવિવારનાં દિવસે કેસરીસિંહે સોશિયલ મીડિયા પર લાઈવ કરીને અનેક ગંભીર સવાલ ઉઠાવ્યા હતા. સાથે જ પૂર્વ ધારાસભ્યે લિંબાસી પોલીસ રોડ પર હપ્તા ઉઘરાવતી હોવાનાં પણ આક્ષેપ કર્યા હતા.
હવે, આ મામલે વિવાદ વકર્યો છે. અહેવાલ છે કે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની આ કાર્યવાહીથી અને પોલીસની કામગીરી સામે સવાલ ઊઠાવવાથી પક્ષમાં નારાજગી છે. જે કામ પોલીસે કરવું જોઈએ તે કામ પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ જનતા સાથે મળીને કર્યું તેને બિરદાવવાને બદલે પાર્ટીએ ધારાસભ્યને સજા આપી છે તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે. માતરનાં (Matar) પૂર્વ MLA કેસરીસિંહ સોલંકીને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે. સત્તાવાર રીતે ભાજપે તેમને તમામ હોદ્દાઓ પરથી દૂર કર્યા છે અને પ્રાથમિક સભ્યપદથી પણ સસ્પેન્ડ કર્યા છે. ત્યારે, જનતામાં સવાલ છે કે પૂર્વ MLA ને અવાજ ઊઠાવવાની ભાજપે સજા આપી છે ? પૂર્વ MLA એ સવાલો ઉઠાવ્યા તો શાસક પક્ષે સત્તા છીનવી લીધી ?




