
Nadiad News: નડિયાદની 28 વર્ષીય આચાર્ય ટ્વિંકલ હિતેશભાઈએ સતત 5મી વખત યોગાસનમાં વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે. તેણીએ ‘અર્ધ બંધ પદ્મ પશ્ચિમોત્તાનાસન’ 17 મિનિટ 14 સેકંડ સુધી ટકાવી રાખી પાંચમી વખત વિશ્વ વિક્રમ બનાવ્યો છે.
પાંચમી વખત વિશ્વ વિક્રમ બનાવ્યો
નડિયાદના કપડવંજમાં વસવાટ કરતા ટ્વિંકલ આચાર્ય અત્યારે એસ્ટ્રોલોજી એન્ડ યોગ પર રિસર્ચ કરી રહ્યા છે. તેણીએ તાજેતરમાં 2 સપ્ટેમ્બરના રોજ યોગાશ્રમ, ઓમ કારેશ્વર મંદિર ખાતે આસનોમાં કઠિન ગણાતું આસન એવું ‘અર્ધ બંધ પદ્મ પશ્ચિમોત્તાનાસન’ સતત 17 મિનિટ 14 સેકંડ સુધી ટકાવી રાખી પાંચમી વખત વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેણીએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.
વર્લ્ડ રેકોર્ડની યાદી
તારીખ 27 માર્ચ 2022 ના રોજ સંતરામ મંદિરમાં “પિંડાસનયુક્ત્તા સર્વાંગઆસન” સતત 11 મિનિટ સુધી કરી ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
તારીખ 21 જૂન 2022 ના રોજ “મરિચ્યાસના” માં સતત 9 મિનિટ 15 સેકન્ડ સુધી આસન ટકાવી ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું.
તારીખ 1 જાન્યુઆરી 2023 ના રોજ સંતરામ મંદિરમાં પરમ પૂજ્ય રામદાસજી મહારાજના સાનિધ્યમાં આસનોમાં કઠિન ગણાતું “પ્રણામા ગર્ભ પિંડાસના” સતત 28 મિનિટ 55 સેકન્ડ ટકાવી રાખી વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.
તારીખ 22 મે 2023 ના રોજ સંતરામ મંદિરમાં “ભ્રુનાસાના” સતત 7 મિનિટ કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો.
તારીખ 2 સપ્ટેમ્બર 2024 ના રોજ યોગાશ્રમ, ઓમ કારેશ્વર મંદિર ખાતે “અર્ધ બંધ પદ્મ પશ્ચિમોત્તાનાસન” સતત 17 મિનિટ 14 સેકંડ સુધી ટકાવી રાખી પાંચમી વખત વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ 2024 માં નામ ઉમેરાયું છે.
કોરોના કાળથી યોગ ક્ષેત્રે જોડાઇ
આમ યોગાસનમાં કુલ 5 વખત વિશ્વ રેકોર્ડ બનાવી નડિયાદની ટ્વિંકલે પોતાના માતા-પિતા, પરિવાર તેમજ બ્રહ્મ સમાજનું નામ રોશન કર્યું છે. મહત્વની બાબત એ છે કે, ટ્વિંકલ યોગ સાથે કોરોના કાળ દરમિયાન જોડાણી હતી. અને આટલા ટૂંકા ગાળામાં 5 રેકોર્ડ બનાવી એક અનોખી સિધ્ધિ મેળવી છે.





