વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ :
ડ્રેનેજ લાઇન બદલવાનું કામ પૂરું થયા બે વર્ષ વીતી ગયા છતાં ખેરગામ બજારનો મુખ્ય રસ્તો હજી પણ ખોદાયેલો અને અપૂર્ણ છે. શ્રીજી હોટલ ત્રણ રસ્તાથી દેસાઈવાડ સુધીના વિસ્તારમાં વાહનચાલકો તથા સ્થાનિકોમાં ભારે રોષ છે.વર્ષો જૂની ખાનગી ડ્રેનેજ લાઇન વારંવાર ઉભરાતી હોવાથી ગામમાં ભૂગર્ભ ગટર યોજના મંજૂર કરવામાં આવી હતી. જાન્યુઆરી 2023માં નવા મોટા પાઇપ નાખવાના કામ બાદ ગટર ઉભરાવાની સમસ્યામાં રાહત તો મળી, પરંતુ રસ્તો હજુ સુધી દુરસ્ત કરવામાં આવ્યો નથી. નવી ગટર લાઇન હોવા છતાં વૃંદાવન સોસાયટી સહિત 25–30 ઘરોમાં ગંદકી ફેલાઈ રહી છે. સાત ઘરોના પાછળના ભાગમાં ગટરનું પાણી ભરાતાં આરોગ્ય જોખમ ઊભું થયું છે. કનેક્શન સીધા આપવાના કારણે અને શોષકૂવો ન હોવાને લીધે સમસ્યા વધુ ગંભીર બની રહી છે. સાથે સાથે, ગટર કામ કરનાર કોન્ટ્રાક્ટરને અંદાજિત લાખ રૂપિયા હજુ ચુકવવાના બાકી હોવાની ચર્ચાએ પણ હંગામો મચાવ્યો છે. હવે જોવાનું રહ્યું કે ખેરગામ બજારનો રસ્તો તથા ગટરનો પ્રશ્ન તંત્ર ક્યારે હલ કરે છે અને કોન્ટ્રાક્ટરને બાકી ચુકવણી ક્યારે થશે?