
રિપોર્ટ : પૂજા ઠક્કર, મુંદરા-કચ્છ
મુંદરા : વરસાદમાં મચ્છરજન્ય રોગો સામે આરોગ્ય તંત્ર સજાગ
મુંદરા, તા. 5 : કચ્છમાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે, જેનાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. આ પરિસ્થિતિમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા વાહકજન્ય રોગોના કેસ પ્રાઇવેટ લેબોરેટરી અને ક્લિનિક્માં નોંધાવા પામ્યા છે. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે મુન્દ્રા-બારોઇ શહેરી આરોગ્ય કેન્દ્રના સ્ટાફે ઇદની રજામાં પણ ફોગીંગની કામગીરી હાથ ધરી હતી. આ ટીમે વિવિધ સોસાયટીઓમાં ઘરોમાં જંતુનાશક દવાયુક્ત ધુમાડો કરીને પુખ્ત મચ્છરોનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.
તાલુકા હેલ્થ સુપરવાઇઝર હરિભાઈ જાટીયાએ સ્થળની જાત મુલાકાત લીધી હતી અને આરોગ્ય ટીમને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે લોકોને ઘરમાં કે બહાર ભરાયેલા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવા માટે પણ સમજાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિને તાવ, શરીરમાં દુઃખાવો, કે શરદી-ઉધરસ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના પેટા આરોગ્ય કેન્દ્ર(10), શહેરી આરોગ્ય કેન્દ્ર અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા અપીલ કરી હતી.
ચોમાસાની સિઝનમાં સામાન્ય રીતે દર હજારની વસ્તીએ દરરોજ 10 જેટલા લોકો શરદી, તાવ, ઉધરસ જેવા વાયરલ ઇન્ફેક્શનથી પીડાતા હોય છે. મુન્દ્રાની આશરે દોઢ લાખની વસ્તીમાંથી અંદાજે 1500 દર્દીઓમાંથી ફક્ત 300 જેટલા દર્દીઓ જ સરકારી દવાખાનામાં આવે છે, જ્યારે બાકીના લોકો પ્રાઇવેટ સારવાર તરફ વળે છે. આ સંદર્ભમાં આરોગ્ય વિભાગે લોકોને અપીલ કરી છે કે તેઓ વધુમાં વધુ સરકારી આરોગ્ય સેવાઓનો લાભ લે, કારણ કે સરકારી દવાખાનાઓમાં સચોટ નિદાન અને સારવારની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.
આરોગ્ય વિભાગે જનતાને અપીલ કરતાં જણાવ્યું છે કે મચ્છરજન્ય રોગો પર નિયંત્રણ મેળવવા માટે વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવો, મચ્છરોના પ્રજનન સ્થળોને દૂર કરવા, અને જો બીમારીના લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર સરકારી દવાખાનામાં તપાસ કરાવવી જરૂરી છે. આવી તકેદારી અને સહકારથી જ મચ્છરજન્ય રોગો પર અસરકારક રીતે કાબૂ મેળવી શકાશે એવું એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.








