

દિપક પટેલ-ખેરગામ
યુવા મહોત્સવ યુવાનોની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો એક સારો અવસર છે — એવા પ્રેરક શબ્દો ખેરગામ તાલુકા કક્ષાના યુવામહોત્સવ-2025ના ઉદ્ઘાટન સમારંભમાં કાર્યક્રમના અધ્યક્ષ અને જનતા કેળવણી મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલે વ્યક્ત કર્યા હતા.કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી, નવસારીના સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવનું આયોજન તા. 13/11/2025ે ખેરગામની પ્રતિષ્ઠિત જનતા માધ્યમિક શાળામાં ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું.મહોત્સવમાં ખેરગામ તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ નિબંધ, વકૃત્વ, ભજન, એકપાત્રીય અભિનય, સર્જનાત્મકતા, સમૂહગીત સહિતની સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તમામ સ્પર્ધાઓ પારદર્શક રીતે યોજાય તે માટે જિલ્લાકક્ષાના નિષ્ણાત નિર્ણાયકો ઉમેશ મહેતા, ઈલાબેન રાણા અને લલીતભાઈએ નિર્ણાયક તરીકે સેવાઓ આપી હતી.આ યુવા મહોત્સવમાં તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 60થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી હતી.આ સમગ્ર આયોજન શાળાના આચાર્યશ્રી ચેતનભાઈ પટેલના સક્રિય નેતૃત્વ હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. શાળા પરિવારનાં શિક્ષક-શિક્ષિકાઓએ વિશેષ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષકશ્રી વિપુલ પવાર દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના સંચાલક મંડળે કાર્યક્રમ સફળ બનાવવા બદલ શાળા પરિવરને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.



