હાડગુડ પ્રાથમિક શાળા ખાતે રૂપિયા ૧.૪૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૧૦ વર્ગખંડોનું લોકાર્પણ કરાયું

હાડગુડ પ્રાથમિક શાળા ખાતે રૂપિયા ૧.૪૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૧૦ વર્ગખંડોનું લોકાર્પણ કરાયું
તાહિર મેમણ – 09/07/2024 – આણંદ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં નવા વર્ગખંડો તૈયાર કરવા અને નવીન શાળાનું બાંધકામ તથા શાળાના બાળકો માટે ભૌતિક સુવિધાઓ આપવામાં આવી રહી છે.
આ અંતર્ગત હાડગુડ પ્રાથમિક શાળા ખાતે ખુટતા ૧૦ નવા રૂમ રૂપિયા ૧.૪૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે, જેનું લોકાર્પણ આજે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, આણંદના સંસદ સભ્ય શ્રી મિતેષભાઈ પટેલ અને આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
સાંસદ શ્રી મિતેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, હાડગુડ પ્રાથમિક શાળાનું નવું મકાન બનવાથી વિદ્યાર્થીઓને ભણવામાં સરળતા રહેશે. આ ઉપરાંત પ્રાથમિક શાળા ખાતે હાઈસ્કૂલ કક્ષાની ફેસીલીટી આપવામાં આવી છે. જેમાં કોમ્પ્યુટર રૂમ, લાઇબ્રેરી રૂમ, ફાયર સેફટી અને સીસીટીવીથી સજ્જ આ પ્રાથમિક શાળા તૈયાર કરવામાં આવી છે, ત્યારે તેમણે આ શાળા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ તૈયાર કરે અને વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી.
હાડગુડ પ્રાથમિક શાળા ખાતે તૈયાર કરવામાં આવેલ ૧૦ નવા વર્ગખંડો જેમાં ત્રણ મજલાની સ્કૂલ તૈયાર કરવામાં આવી છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ત્રણ રૂમ, પ્રથમ માળે ત્રણ રૂમ અને બીજા માળે ચાર રૂમ તૈયાર કરવામાં આવ્યા છે.
પ્રાથમિક શાળાના આચાર્ય હિરેનભાઈ મેકવાનના જણાવ્યા મુજબ હાડગુડ પ્રાથમિક શાળા ખાતે ધોરણ ૧ થી ૮ દરેક ક્લાસના ત્રણ રૂમ છે અને સ્કૂલ ખાતે ૯૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં શાળાના આચાર્ય સહિત ૨૬ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. અત્યાર સુધી ૨૫ રૂમની જરૂરિયાત સામે ૧૫ રૂમ ઉપલબ્ધ હોવાથી છેલ્લા પાંચ વર્ષથી આ શાળા પાળી પદ્ધતિથી ચાલતી હતી. હવે નવું મકાન તૈયાર થવાથી એક જ પાળીમાં સ્કૂલ ચલાવવામાં આવશે.
હાડગુડ પ્રાથમિક શાળા ખાતે તૈયાર કરવામાં આવેલ આ નવીન દસ વર્ગખંડોમાં એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પહેલા માળે અને બીજા માળે દિવ્યાંગ માટે અલગ સેનિટેશનની વ્યવસ્થા, કુમાર એટલે કે છોકરાઓ માટે અલગ સેનિટેશનની વ્યવસ્થા અને કન્યાઓ એટલે કે દીકરીઓ માટે પણ અલગ સેનિટેશનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
આ ઉપરાંત આ પ્રાથમિક શાળા ખાતે કોમ્પ્યુટર રૂમ, લાઇબ્રેરી, ફાયર સેફટીની સુવિધા, કમ્પાઉન્ડ વોલ અને કાર્યલય સાથે પ્રાથમિક શાળા તૈયાર કરવામાં આવી છે.
આ શાળા આણંદ જિલ્લામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી પ્રાથમિક શાળા છે જેમાં ધોરણ ૦૧ થી ૦૮ આઠમાં હાલમાં ૯૦૦ બાળકો અભ્યાસ કરી રહ્યા છે.




