GUJARATKUTCHMUNDRA

કચ્છના મુંદરાના ક્રિષ્ના પટેલનો રાજ્યકક્ષાએ ડંકો: રોબોફેસ્ટ ગુજરાત 5.0 માં ‘ટીમ વલ્કન’ એ મેળવ્યું દ્વિતીય સ્થાન, ₹7.50 લાખનું ઈનામ જીત્યું

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

કચ્છના મુંદરાના ક્રિષ્ના પટેલનો રાજ્યકક્ષાએ ડંકો: રોબોફેસ્ટ ગુજરાત 5.0 માં ‘ટીમ વલ્કન’ એ મેળવ્યું દ્વિતીય સ્થાન, ₹7.50 લાખનું ઈનામ જીત્યું

 

મુંદરા, તા. 26:

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ગુજકોસ્ટ) દ્વારા આયોજિત ભારતની સૌથી મોટી રોબોટિક સ્પર્ધા ‘રોબોફેસ્ટ ગુજરાત 5.0’ ના ગ્રાન્ડ ફિનાલેમાં કચ્છ જિલ્લાના મુંદરાનું નામ રાજ્યકક્ષાએ રોશન થયું છે. અમદાવાદની પ્રતિષ્ઠિત નિરમા યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા અને મુંદરાની મહેશનગર પ્રાથમિક શાળામાં છેલ્લા 27 વર્ષથી ફરજ બજાવતા આદર્શ શિક્ષક હરિભાઈ પટેલના સુપુત્ર ક્રિષ્ના પટેલ અને તેની ટીમે આ સ્પર્ધામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.

નિરમા યુનિવર્સિટીની ‘ટીમ વલ્કન’ જેમાં ક્રિષ્ના પટેલ સાથે ધાર્મિક મકિમ, નમ્ર શાહ અને માધવ મહેશ્વરીએ ડો. વિજય સવાણીના માર્ગદર્શન હેઠળ ‘ઇન્ટેલિજન્ટ ગ્રાઉન્ડ વ્હીકલ’ શ્રેણીમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. તેમણે માત્ર અઢી મહિનાના ટૂંકા ગાળામાં અંદાજે 20 કિલો વજન ધરાવતું એક અત્યાધુનિક ઓટોનોમસ રોવર તૈયાર કર્યું છે. આ રોબોટ કોઈપણ માનવીય દખલ વગર અવરોધો ઓળખવા, નેવિગેશન કરવા અને ક્યુ. આર. કોડ રીડ કરવા જેવી જટિલ કામગીરી કરવામાં સક્ષમ છે.

આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે તે ચંદ્ર કે મંગળ જેવા ગ્રહોની ખાડા-ટેકરાવાળી જમીન પર ફોટોગ્રાફી કરવા ઉપરાંત પૃથ્વી પર પણ અત્યંત ઉપયોગી સાબિત થશે. કેમિકલ પ્લાન્ટ્સ, દુર્ગમ પહાડી વિસ્તારો કે જ્યાં માણસોનું જવું જોખમી છે ત્યાં આ રોવર જઈને રેસ્ક્યુ ઓપરેશન અને માહિતી એકત્રિત કરવાનું મહત્વપૂર્ણ કામ કરી શકશે.

આવી વિશિષ્ટ ટેકનોલોજી અને ઈનોવેશન બદલ ટીમ વલ્કનને રાજ્યકક્ષાએ દ્વિતીય પુરસ્કાર અને ₹7,50,000 (સાડા સાત લાખ) ની પ્રોત્સાહક ઇનામી રાશિ એનાયત કરવામાં આવી છે. મુંદરાના એક સામાન્ય પરિવાર અને શિક્ષકના સંતાને ટેકનોલોજીના સર્વોચ્ચ શિખરો સર કરીને સમગ્ર કચ્છ અને નિરમા યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે. આ સફળતા બદલ ક્રિષ્ના પટેલ અને તેની ટીમને ઠેર-ઠેરથી અભિનંદન અને શુભેચ્છાઓ મળી રહી છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!