BANASKANTHAGUJARATPALANPUR

વહીવટી પારદર્શિતાનો મિશાલ બન્યો કુંભાસણનો સેવા સેતુ:૨૦ ગામોના નાગરિકોને એક જ સ્થળે ૨૭ સરકારી સેવાઓનો લાભ મળ્યો

11 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુરના તાલુકાના કુંભાસણ ખાતે ‘સેવા સેતુ ૨.૦’માં ૨૪૭૦ થી વધુ અરજદારોને સરકારશ્રીની વિવિધ યોજનાથી લાભાન્વિત કરાયા
સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવી એ જ વહીવટી તંત્રની પ્રાથમિકતા: મામલતદારશ્રી શૈલેષ પ્રજાપતિ
સેવા સેતુ કાર્યક્રમ થકી મને મારા ગામમાં જ નવા વીજ કનેક્શનનો લાભ મળ્યો છે: સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા લાભાર્થી ધર્માભાઈ સાણોદરીયા.રાજ્ય વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તથા સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ તેમજ પ્રજાના પ્રશ્નોનો ન્યાયિક ઉકેલ આવે તે માટે બનાસકાંઠા જિલ્લામાં કલેકટરશ્રી મિહિર પટેલના નેતૃત્વમાં નિયમિત સેવા સેતુ કાર્યક્રમનું સફળ આયોજન કરાય છે. આજરોજ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે સેવા સેતુ ૨.૦ કાર્યક્રમનું સફળ આયોજન કરાયું હતું.
પાલનપુર ગ્રામ્ય મામલતદાર શ્રી શૈલેષ પ્રજાપતિએ જણાવ્યું કે, સરકારશ્રીના સેવા સેતુ ૨.૦અભિયાન હેઠળ પાલનપુર તાલુકાના કુંભાસણ ખાતે ૨૦ ગામોના સમાવેશ સાથે કાર્યક્રમ યોજાયો હતો. આ સેવા સેતુમાં કુલ ૨૭ જેટલી વિવિધ સરકારી સેવાઓ નાગરિકોને એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કુલ ૨૪૭૦ થી વધુ નાગરિકોને સ્થળ પર જ ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીઓના હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તેમણે જણાવ્યું કે, કાર્યક્રમ દરમિયાન વડીલો, માતાઓ અને બહેનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ અભિયાનને સફળ બનાવવા માટે તાલુકા વિકાસ અધિકારીની ટીમ, મામલતદાર કચેરી (પાલનપુર ગ્રામ્ય), પોસ્ટ અને બેંક, વન વિભાગ, આરોગ્ય વિભાગ, એસ.ટી. નિગમ, ICDS અને UGVCL જેવી વિવિધ કચેરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં લોકોની અપેક્ષાઓ અને જરૂરિયાતો સંતોષાતા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આગામી સમયમાં પણ તાલુકાના અન્ય વિસ્તારોમાં આવા કાર્યક્રમો યોજાશે, જે અંગે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા છે, જેથી વધુમાં વધુ લોકો આ સુવિધાઓનો લાભ મેળવી શકે.
કુંભાસણ ગામના લાભાર્થી ધર્માભાઈ સાણોદરીયાએ જણાવ્યું કે, મેં નવા વીજ કનેક્શન માટે અરજી કરેલી હતી. મારી અરજી મંજૂર થઈ અને મને આજે નવું કનેક્શન મળી ગયું છે. આ ‘સેવા સેતુ’ કાર્યક્રમ થકી ઘર આંગણે જ મને લાભ મળ્યો છે. તેમણે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!