શહેરા પોલીસ સ્ટેશન ખાતે ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા: આગામી ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે હેતુથી શહેરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકનું આયોજન શહેરાના પી.આઈ. અંકુર ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, વેપારીઓ અને અન્ય પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પી.આઈ. અંકુર ચૌધરીએ સૌને તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા સામાજિક સૌહાર્દ જાળવી રાખવા અપીલ કરી હતી. તેમણે ખાસ કરીને ડી.જે., લાઉડ સ્પીકર અને શોભાયાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા અંગે જરૂરી સૂચનો અને નિયમો વિશે માહિતી આપી હતી.
બંને સમાજના આગેવાનોએ પણ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ તહેવારો દરમિયાન કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને અને લોકો હળીમળીને ઉત્સવોની ઉજવણી કરી શકે તે સુનિશ્ચિત કરવાનો હતો. બેઠકમાં હાજર સૌએ તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.






