
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
કચ્છ: આરોગ્ય તંત્રના ‘કોરોના વોરિયર્સ’ આર્થિક કટોકટીમાં : બે મહિનાથી પગાર ન થતા કર્મચારીઓમાં ભારે રોષ
૦૦૦
હોળી-ધૂળેટી ફિક્કી રહી, હવે રમઝાન અને ઈદ પર સંકટ
૦૦૦
ગ્રાન્ટના અભાવે આશા બહેનો અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ તેલ-પાણીના ખર્ચ માટે પણ મજબૂર
ભુજ, તા. 10:
કચ્છ જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે પાયાની કામગીરી કરતા નેશનલ હેલ્થ મિશન (NHM) હેઠળના સેંકડો કર્મચારીઓ છેલ્લા બે મહિનાથી પગાર વગર હાલાકી ભોગવી રહ્યા છે. માર્ચ મહિનો પણ અડધો વીતવા આવ્યો હોવા છતાં તંત્ર દ્વારા ગ્રાન્ટના બહાને પગાર રોકી રાખવામાં આવતા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO), ફિમેલ હેલ્થ વર્કર (FHW), મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW), ફાર્માસીસ્ટ અને ઓફિસ આસિસ્ટન્ટ જેવા પાયાના કર્મચારીઓની આર્થિક સ્થિતિ કફોળી બની ગઈ છે.
મોંઘવારીના આ સમયમાં અત્યંત ઓછા પગારમાં અને કરાર આધારિત કામ કરતા આ કર્મચારીઓએ તાજેતરમાં હોળી-ધૂળેટીનો તહેવાર કોઈ પણ પ્રકારના રંગ વગર મનાવ્યો હતો. હાલમાં પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઈદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે પગારના ઠેકાણા ન હોવાથી મુસ્લિમ બિરાદરો અને અન્ય કર્મચારીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.
ગામડાઓમાં લોકો અને સરકાર વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવતી આશા બહેનોની હાલત સૌથી વધુ ગંભીર છે. બે માસથી પગાર અને વિવિધ કામગીરીના ઇન્સેન્ટિવ ન મળતા મહિલા કર્મચારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. તાજેતરમાં જ ‘વિશ્વ મહિલા દિવસ’ની ઉજવણી કરવામાં આવી પરંતુ કચ્છની આશા બહેનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, “ઘરમાં શાક વઘારવા માટે તેલ લાવવાના પણ પૈસા નથી.”
સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર તરફથી ગ્રાન્ટ ન ફાળવાઈ હોવાના કારણે આ વિલંબ થઈ રહ્યો છે. જોકે પાયાના કર્મચારીઓનું કહેવું છે કે તંત્રની આ ઉદાસીનતાને કારણે મધ્યમ અને ગરીબ વર્ગના કર્મચારીઓના ઘર ચલાવવા મુશ્કેલ બન્યા છે. લોન હપ્તા અને દૈનિક ખર્ચાઓના બોજ હેઠળ દબાયેલા આ કર્મચારીઓએ ચીમકી આપી છે કે જો તાત્કાલિક ધોરણે પગાર ચૂકવવામાં નહીં આવે તો આગામી સમયમાં કામગીરી પર તેની માઠી અસર પડી શકે છે.
કચ્છ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનોની એક જ માંગ છે કે સરકાર અને સ્થાનિક તંત્ર સંવેદનશીલતા દાખવી તહેવારો પહેલા તમામ બાકી પગાર અને ભથ્થાં તાત્કાલિક ચૂકવી આપવામાં આવે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




