પંચમહાલ જિલ્લામાં નાગરીકોના આરોગ્ય સાથે ચેડા કરતી પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી
સબસ્ટાન્ડર્ડ (હલકી ગુણવત્તાના) ખાદ્યપદાર્થો વેચતી પેઢીઓના ચાર કેસોમાં રૂ. ૧.૭૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગોધરાના ફુડ સેફ્ટી ઑફિસરો ધ્વારા અગાઉ ખાદ્ય-ચીજોના શંકાસ્પદ નમુનાઓ રાજ્યની ફુડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેમાંથી ૪ ખાદ્ય ચીજો સબસ્ટાન્ડર્ડ રિપોર્ટ જાહેર થતાં નાગરીકોના આરોગ્ય સાથે ચેડા કરનાર દુકાનદારો, પેઢીઓ સામે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ પંચમહાલ જિલ્લાના એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરશ્રી, ગોધરાની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જે કેસો ચાલી જતા દંડનીય કાર્યવાહીના ભાગરુપે જિલ્લાની પેઢીઓના કુલ-૪ નમુના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા હોય પંચમહાલ જિલ્લાના એડજ્યુડીકેટીંગ ઓફીસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ચાલતા કેસો પૈકી ઉતરતી કક્ષા/હલકી ગુણવત્તાના (સબસ્ટાન્ડર્ડ) ખાદ્યપદાર્થોના જાહેર થયેલા નમૂનાના ૪ કેસોમાં જવાબદાર તમામ પેઢીઓ/દૂકાનદારોને કુલ ૧.૭૦ લાખની રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ કાર્યવાહીમાં જિલ્લામાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવાયલા નમૂનાઓ પૈકી પટેલ કોલ્ડ્રીંકસ(વિક્રેતા પેઢી)થી લીધેલ મેંગો મીલ્ક શેક(લૂઝ) નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતા તેના જવાબદાર વ્યક્તિઓને રૂ.૧૫ હજારનો દંડ કરવામાં આવ્યો છે. “કાઉ પ્યોર ઘી”(શ્રી માખન મિસ્ત્રી બ્રાંડ)નો નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતા જવાહર ફરસાણ માર્ટ(વિક્રેતા પેઢી)ને રૂપિયા ૧૦ હજારનો તેમજ હર્ષ માર્કેટીંગને રૂપિયા ૨૫ હજાર અને મે.શ્રી માતંગી ડેરી એંડ ફુડ પ્રોડક્ટસને રૂ.૨૫ હજારની રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. વિમલ લાઇટ પ્રિમીયમ ફેટ સ્પ્રેડનો નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતા શ્રી મીત અરૂણકુમાર કાકા (નમુનો આપનાર એફ.બી.ઓ) મે.ટેસ્ટી વડાપાંવ સેન્ટર (વિક્રેતા પેઢી) અને શ્રી વિરાટભાઇ વસંતભાઈ પંડયા (વેન્ડર પેઢીના માલિક) મે.ટેસ્ટી વડાપાંવ સેન્ટર (વિક્રેતા પેઢી) ને સંયુક્ત રીતે રૂપિયા ૧૦ હજારનો અને શ્રી જિતેન્દ્રકુમાર મણિલાલ પટેલ (ઉત્પાદક પેઢીના માલિક) મે.વિમલ ઓઇલ એન્ડ ફુડસ લી. તથા મે.વિમલ ઓઇલ એન્ડ ફુડસ લી. (ઉત્પાદક પેઢી) ને સંયુક્ત રીતે રૂપિયા ૫૦ હજારનો દંડ કરવામાં આવ્યો છે. ગાય ઘી(સોમાણી બ્રાંડ) નો નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં શ્રી કિર્તીકુમાર રજનીકાંત પટેલ (નમુનો વેચાણ આપનાર એફ.બી.ઓ.) મે.રજનીકાંત એન્ડ કંપની અને શકુન્તલાબેન ઘનશ્યામભાઇ પટેલ (વિક્રેતા પેઢીના માલિક) મે.રજનીકાંત એન્ડ કંપનીને સંયુક્ત રીતે રૂપિયા ૧૦ હજારનો તથા શ્રી હરેશકુમાર રસિકલાલ મોદી (ઉત્પાદક પેઢીના માલિક) મે.પુર્વિત પ્રોડકટને રૂપિયા ૨૫ હજારનો દંડ કરવામાં આવ્યો છે.
આમ, નાગરીકોના આરોગ્ય સાથે ચેડા કરતા કરનાર દુકાનદારો, પેઢીઓ સામે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ચાલતા કેસો પૈકી દંડનીય કાર્યવાહીના ભાગરૂપે ઉતરતી કક્ષા (સબસ્ટાન્ડર્ડ) જાહેર કરી તમામ ૪ કેસોમાં જવાબદાર તમામ પેઢીઓ/ઉત્પાદકો/દુકાનદારોને કુલ રૂ.૧.૭૦ લાખની રકમનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું પંચમહાલ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસર એમ.બી.ગામેતી દ્વારા એક યાદીમાં જણાવાયુ છે.





