
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
કચ્છ પોલીસના એ.એસ.આઈ. સંજય દાવડાએ વધાર્યું ગૌરવ: નેશનલ આર્બિટરની પરીક્ષા ‘એ’ ગ્રેડ સાથે પાસ કરી
મુંદરા,તા.23: ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન દ્વારા તાજેતરમાં આયોજિત નેશનલ આર્બિટર (SNA) પરીક્ષામાં કચ્છ પોલીસના જવાને રાષ્ટ્રીય ફલક પર ઝળહળતી સફળતા મેળવી છે. કચ્છ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે એ.ડી.આઈ. તરીકે ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સંજય વેલજીભાઇ દાવડાએ આ કઠિન પરીક્ષામાં સમગ્ર ભારતના અંદાજે 50 જેટલા ખેલાડીઓ વચ્ચે ‘એ’ ગ્રેડ પ્રાપ્ત કરી નેશનલ આર્બિટરની પદવી હાંસલ કરી છે.
સંજયભાઈ માત્ર એક કુશળ પોલીસકર્મી જ નહીં પરંતુ ચેસની રમતના નિષ્ણાત ‘નેશનલ ઈન્સ્ટ્રક્ટર’ પણ છે. તેમની આ સિદ્ધિ પાછળ તેમનો વર્ષોનો અનુભવ અને રમત પ્રત્યેનું ઝનૂન રહેલું છે. તેમણે અત્યાર સુધી સેવાની ભાવના સાથે કચ્છની 182 જેટલી શાળાઓમાં નિઃશુલ્ક ચેસ સેમિનાર યોજ્યા છે. આ અભિયાન દ્વારા તેમણે અંદાજે 60,000 થી વધુ વિદ્યાર્થીઓને ચેસની રમતની પાયાની તાલીમ આપીને રમતગમત ક્ષેત્રે જાગૃતિ ફેલાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે.
નેશનલ લેવલની આ ડિગ્રી મેળવી કચ્છ પોલીસનું નામ રોશન કરવા બદલ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તેમને બિરદાવવામાં આવ્યા છે. કચ્છ બોર્ડર રેન્જ આઈ.જી.પી. શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા શ્રી વિકાસ સુંડા સાહેબ, હેડક્વાર્ટરના ડી.વાય.એસ.પી. શ્રી ક્રિશ્ચન સાહેબ, આર.પી.આઈ. શ્રી રમેશ જેશીંગ રાતળા તેમજ ગ્રાઉન્ડ સેકન્ડ મેજર શ્રી દોલત માનસિંગ ભાટ્ટીએ સંજયભાઈને રૂબરૂ મળી અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




