કાલોલ નગરપાલિકાના પ્રમુખ તરીકે વકીલ હસમુખભાઇ મકવાણા અને ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી ની સર્વાનુમતે વરણી કરાઈ

તારીખ ૦૫/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગર પાલિકા સામાન્ય ચૂંટણી-૨૦૨૫ ના પરિણામો પછી પહેલીવાર સ્પષ્ટ બહુમતી સાથે સત્તારૂઢ થયા બાદ ભાજપ દ્વારા આગામી અઢી વર્ષની પ્રથમ મુદત માટે વહીવટી પાંખના સત્તાધીશોની જાહેરાત કરવામાં આવી હતી. કાલોલ તાલુકા પંચાયતના સભાખંડમાં કાલોલ નગર પાલિકા મુખ્ય ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, ગોધરાની અધ્યક્ષતામાં મળેલી વિશેષ બેઠકમાં પાલિકાના પ્રથમ અઢી વર્ષ માટે સત્તાધીશોની જાહેરાત કરવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષાએથી નક્કી કરવામાં આવેલ શીર્ષસ્થ હોદ્દેદારોના નામોની જિલ્લા ભાજપા મંડળ વતી મહામંત્રી મયંક દેસાઈએ જાહેરાત કરી હતી તે મુજબ પ્રમુખ તરીકેનો વોર્ડ નં. 5 થી ચૂંટાઈને આવેલા હસમુખભાઈ બાબુભાઈ મકવાણા, ઉપ પ્રમુખ તરીકે વોર્ડ નં. 3માંથી બિનહરીફ ચયન થયેલ ગૌરાંગકુમાર છબીલદાસ દરજી, કારોબારી અધ્યક્ષના પદે વોર્ડ નં. 2 માંથી સતત ત્રીજી વખત ચૂંટાયેલા જ્યોત્સનાબેન રાઇજીભાઈ બેલદાર, પક્ષના નેતા તરીકે, સંઘના ચેહરા વોર્ડ નં. 1 માંથી ચૂંટાયેલા હરિકૃષ્ણકુમાર કંચનભાઈ પટેલ સાથે પાલિકા પૂર્વ પ્રમુખ અને વોર્ડ નં. 3માં વિજયી શર્મિષ્ઠાબેન પ્રજ્ઞેશકુમાર પટેલને દંડકના હોદ્દા પરની જાહેરાતો કરવામાં આવી હતી. ભાજપા તરફથી રજૂ કરવામાં આવેલ મેન્ડેટ સર્વાનુમતે મંજૂર રહ્યું હતું.
વરણી પ્રક્રિયા દરમ્યાન મહિલાઓના વિકાસ અને ઉત્કર્ષ સાથે ઉત્થાન જેવો ભાજપનો એજન્ડા કાયમ રહ્યો હતો જે મધ્યે પાલિકાના ૨૮ પૈકી ૧૬ મહિલા સભ્યોના વર્તમાન બોર્ડમાંથી બે મહિલાઓને સત્તા પાંખના સમાવી લેવામાં આવી હતી. પાલિકાના વર્તમાન બોર્ડની પ્રથમ અઢી વર્ષની અવધિ માટે પ્રમુખનું પદ અનુસૂચિત જાતિના સભ્યને ફાળે આવતા શાસક પક્ષમાં એકમાત્ર હસમુખભાઈ મકવાણા બાય ડીફોલ્ટ દાવેદાર રહ્યાં હતાં. જો કે અન્ય પદો માટે ચોક્કસના આયોજનો હોવાની વાતો ચર્ચાઈ રહી હતી. મહત્વપૂર્ણ છે કે બીજી મુદતમાં પ્રમુખપદ સામાન્ય મહિલા માટે અનામત હોઇ ભાજપા વહીવટી પાંખે એક માસ્ટર સ્ટ્રોકથી બધું ઠેકાણે કર્યું હોવાનો મત પ્રસરી રહ્યો છે. વરણી પ્રક્રિયાઓના અંતે ઉપસ્થિત સ્થાનિક ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સમેત જિલ્લા અને તાલુકાના આલા પદાધિકારીઓએ તમામને શુભેચ્છાઓ પાઠવી હતી.





