KUTCHMUNDRA

શંખેશ્વર જૈન તીર્થમાં ચૈત્રી પૂનમના દિવસે ભાવિક ભક્તોનો મેળો જામશે

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

શંખેશ્વર જૈન તીર્થમાં ચૈત્રી પૂનમના દિવસે ભાવિક ભક્તોનો મેળો જામશે

 

ચૈત્રી પૂનમ આત્મજાગૃતિ, તપસ્યા અને ભક્તિનો અનોખો અવસર છે-મુનિ નયશેખર મહારાજ સાહેબ

મુંદરા, તા. 1:

શંખેશ્વર જૈન તીર્થથી માનવતાના મસીહા પ.પૂ.આ.ભ.શ્રીમદ્દ વિજય રત્નશેખર સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ.પૂ.મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબએ ચૈત્રી પૂનમનો મહિમા જૈન ધર્મ અનુસાર વિશાળ પ્રવચન આજે આપણે ચૈત્ર મહિનાની પવિત્ર પૂર્ણિમા. જૈન શાસનમાં દરેક તિથિનું પોતાનું આગવું મહત્વ છે, પરંતુ ચૈત્રી પૂનમ તો ખાસ કરીને આત્મજાગૃતિ, તપસ્યા અને ભક્તિનો અનોખો અવસર છે. ચૈત્ર માસ વર્ષનો પ્રારંભ માનવામાં આવે છે. પ્રકૃતિમાં નવી કૂંપળો ફૂટે છે, હવામાં શુદ્ધતા આવે છે અને સમગ્ર જગત નવી ઊર્જાથી ભરાઈ જાય છે. તેવી જ રીતે, આ સમય આપણા અંતરાત્માને પણ નવી શરૂઆત કરવાની પ્રેરણા આપે છે. ચૈત્રી પૂનમ એ માત્ર ચંદ્રની પૂર્ણતા નથી, પરંતુ આપણા જીવનમાં પૂર્ણતા લાવવાનો સંદેશ છે. જૈન દર્શન મુજબ આત્મા મૂળથી શુદ્ધ, શાશ્વત અને અનંત શક્તિઓથી ભરપૂર છે. પરંતુ કર્મોના બંધનથી આત્મા મલિન બની જાય છે. આ કર્મોને ક્ષીણ કરવા માટે તપ, આરાધના અને સદાચાર જરૂરી છે. ચૈત્રી પૂનમએ એવો પવિત્ર દિવસ છે જેમાં આપણે વિશેષ ઉપવાસ, આયંબીલ, એકાસણ, બેસણું, સામાયિક, પ્રતિક્રમણ અને સ્વાધ્યાય દ્વારા આત્માને શુદ્ધ કરવાની દિશામાં આગળ વધી શકીએ છીએ. આ દિવસે ઘણા ભક્તો ઉપવાસ રાખે છે. ઉપવાસ માત્ર ભૂખ્યા રહેવાનું નામ નથી પરંતુ ઇન્દ્રિયોની વૃત્તિઓ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ છે. ઉપવાસથી મન સ્થિર બને છે વિચારો શુદ્ધ બને છે અને આત્મા પ્રભુના નજીક પહોંચે છે. સાથે સાથે સામાયિક અને પ્રતિક્રમણ દ્વારા આપણે આપણા દૈનિક જીવનના દોષોને ઓળખી ક્ષમા માંગીએ છીએ. ચૈત્રી પૂનમનો એક વિશેષ પાસો છે. જીવદયા અને દાન. જૈન ધર્મમાં જીવદયા સર્વોચ્ચ ધર્મ માનવામાં આવ્યો છે. આ દિવસે પાણીના કુંડા મૂકવા, ચકલી ઘરો વિતરણ કરવું, પશુ-પક્ષીઓને આહાર આપવો, ગરીબોને અન્નદાન કરવું–આ બધું ખૂબ મહા પુણ્યકારક ગણાય છે. કારણ કે દરેક જીવમાં આત્મા છે અને દરેક આત્મા પરમાત્મા બનવાની ક્ષમતા ધરાવે છે. આ દિવસે આપણે એક મહત્વપૂર્ણ સંદેશ પણ સમજવો જોઈએ ક્ષમા અને મૈત્રીનો ભાવ. આપણા જીવનમાં અનેક લોકો સાથે મતભેદ થાય છે, ક્યારેક મનદુઃખ થાય છે. ચૈત્રી પૂનમ એ દિવસ છે જ્યાં આપણે હૃદયથી બધાને માફ કરીએ અને સૌ સાથે મૈત્રીભાવ રાખીએ. “મિચ્છામી દુક્કડમ”નો ભાવ માત્ર શબ્દોમાં નહીં, પરંતુ અંતરાત્મામાં ઉતારવોએ જ સાચી આરાધના છે. જૈન તીર્થોમાં આ દિવસે વિશેષ પૂજન, આરતી, ભક્તિ અને ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. ભક્તો મંદિરમાં જઈને દેવ-ગુરૂ-ધર્મની આરાધના કરે છે. સ્વામી વાત્સલ્ય પણ યોજાય છે, જેનાથી ભક્તોમાં એકતા અને ભક્તિનો ભાવ વધે છે. આ ચૈત્રી પૂનમ આપણને ત્રણ મુખ્ય સંદેશ આપે છે. આત્મવિચાર પોતાના દોષોને ઓળખો. આત્મશુદ્ધિ તપ અને આરાધના દ્વારા કર્મોને ક્ષીણ કરો.

આત્મ ઉન્નતિ સદાચાર અને દયાભાવથી જીવનને ઊંચું બનાવો. જીવન ખૂબ જ અમૂલ્ય છે. મનુષ્ય ભવ મળવો એ ખૂબ દુર્લભ છે. આ અવસરનો ઉપયોગ કરીને જો આપણે આત્મકલ્યાણનો માર્ગ અપનાવીએ તો જીવન સફળ બની શકે છે. ચૈત્રી પૂનમએ એવો પવિત્ર અવસર છે જે આપણને સંસારના બંધનમાંથી મુક્ત થવાની દિશામાં આગળ ધપાવે છે. અંતમાં એટલું જ કહીશ કે આ ચૈત્રી પૂનમના પવિત્ર દિવસે આપણે સૌએ સંકલ્પ કરીએ કે અમે વ્યસનોથી દૂર રહીશું, જીવદયા અપનાવીશું અને ધર્મના સિદ્ધાંતો મુજબ જીવન જીવવાનો પ્રયત્ન કરીશું. આ પ્રસંગે મુંબઇ, બેંગ્લોર, ચેન્નઇ, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર વિગેરે ભાવિકો પધારશે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!