રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
મતદાર યાદી સુધારણા: એક રાષ્ટ્રીય ફરજ અને જવાબદારી
હાલમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અને તેમાં શિક્ષકોની ભૂમિકા અંગેનો મુદ્દો ચર્ચામાં છે, ત્યારે એવી વાત જાણવા મળી રહી છે કે શિક્ષક સંગઠનો આ કામગીરીનો બહિષ્કાર કરવા માગે છે અને તેને અન્ય સરકારી કર્મચારીઓને સોંપવાની માંગ કરી રહ્યા છે, જેનું કારણ શિક્ષણનું હિત બતાવવામાં આવી રહ્યું છે.
આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષક રાષ્ટ્રના નિર્માતા છે. શિક્ષક માત્ર બાળકોને ભણાવતા નથી, પરંતુ તેમને સારા નાગરિક બનવાનું પણ શીખવે છે. જ્યારે દેશ માટે એક મહત્વપૂર્ણ કાર્યની વાત આવે છે, ત્યારે શિક્ષણના હિતનું બહાનું ધરીને પાછળ હટી શકાય નહીં.
મતદાર યાદી સુધારણાનું કાર્ય એક રાષ્ટ્રીય ફરજ છે. આ કામગીરી માટે શિક્ષકને પૂરતો સમય અને સુવિધાઓ મળે છે. શિક્ષકને વર્ષમાં 80થી વધુ રજાઓ મળે છે, અને આ કામગીરી મોટાભાગે રજાના દિવસોમાં જ થાય છે. આ ઉપરાંત, આ કાર્ય માટે શિક્ષકને મહેનતાણું અને વધારાની રજા પણ મળે છે. આટલી સુવિધાઓ છતાં, આ જવાબદારીથી દૂર રહેવું કેટલા અંશે વ્યાજબી છે?
શિક્ષકની સરખામણીમાં, અન્ય સરકારી કર્મચારીઓ, જેવા કે તલાટી અને આરોગ્ય કાર્યકરો, પાસે અનેક ગણી જવાબદારીઓ છે. તેઓ દિવસ-રાત કાર્યરત રહે છે, અને તેમની પાસે ઘણા ગામોનો ચાર્જ પણ હોય છે. તેમનું કાર્યક્ષેત્ર ઘણું વિશાળ છે, તેમને જન્મથી મૃત્યુ સુધીના નાગરિકોને સેવા આપવાની હોય છે અને પચાસથી વધુ સરકારી કાર્યક્રમો અને યોજનાઓ ચલાવવાની જવાબદારી હોવાથી ક્યારેક રજાના દિવસોમાં પણ કામગીરી કરવાની ફરજ પડે છે. અને તેમની પાસે સમય, સંસાધન, ટેક્નોલોજી જેવી સગવડની મર્યાદા હોય છે. આવી સ્થિતિમાં, આટલું મહત્વનું કામ તેમને સોંપવાથી ભૂલો થવાની સંભાવના વધી જાય છે.
આજે મતદાર યાદીમાં જે ભૂલો જોવા મળી રહી છે, જેમ કે મૃત્યુ પામેલા લોકોના નામો હોવા અને ડબલ નામો હોવા એ ભૂતકાળમાં થયેલી બેદરકારીનું પરિણામ છે. આ ભૂલો સુધારવાની જવાબદારી પણ શિક્ષકોની જ છે, કારણ કે આ કામ તેમણે જ કર્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે લોકશાહીમાં સ્વચ્છ અને ભૂલ રહિત મતદાર યાદીનું કેટલું મહત્વ છે.
આજે દેશના બે મોટા પક્ષો વચ્ચે વોટ ચોરીને લઈને જે યુદ્ધ ચાલી રહ્યું છે, તેનું મૂળ કારણ આ મતદાર યાદીમાં થયેલા ગોટાળા છે. આ ભૂલોને સુધારીને નવી અને અદ્યતન મતદાર યાદી તૈયાર કરવી એ શિક્ષકની નૈતિક અને રાષ્ટ્રીય ફરજ છે.
શિક્ષક સંગઠનોના હોદ્દેદારોએ પણ આ સમયે આગળ આવીને નેતૃત્વ પૂરું પાડવું જોઈએ અને પોતાના શિક્ષકોને આદેશ આપવા જોઈએ. આ સમયની માંગ છે કે સંગઠનો પણ આ રાષ્ટ્રીય ફરજની ગંભીરતાને સમજે.
ખાસ કરીને, આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શિક્ષણ ક્ષેત્રે ઘણું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે. અત્યારે જે સગવડો છે, તે તેમની મહેનતનો જ ભાગ છે. જો તમે ખંત અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરશો તો આપણા ગુજરાતી અને ભારતના વડાપ્રધાનને મત ચોરીના આરોપથી બચાવી શકાશે. આ આપણા સૌની જવાબદારી છે કે તેમનું મસ્તક સન્માનભેર ઊંચું રહે.
શિક્ષકોએ તેમના બહિષ્કારના નિર્ણયને પાછો ખેંચવો જોઈએ. ઘરે ઘરે જઈને મતદાર યાદી સુધારણાનું કાર્ય સચોટતાપૂર્વક કરવું જોઈએ. આ પવિત્ર ફરજ નિભાવવાથી શિક્ષક માત્ર દેશની સેવા જ નહીં કરે, પરંતુ લોકશાહીના પાયાને વધુ મજબૂત બનાવવામાં પણ યોગદાન આપશે.
આશા છે કે શિક્ષકો આ પત્રમાં રજૂ થયેલા મુદ્દાઓ પર ગંભીરતાથી વિચાર કરશે અને રાષ્ટ્રસેવાના આ કાર્યમાં સહભાગી થશે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com