
રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા – કચ્છ.
મુંદરા તાલુકામાં માતા મરણ અટકાવવા વિશેષ સમીક્ષા બેઠક યોજાઈ : બ્લડ બેંકની જરૂરિયાત પર ભાર મુકાયો
મુંદરા : તા.27 : મુંદરા તાલુકા હેલ્થ ઓફિસની કચેરી ખાતે તાલુકા કક્ષાની માતા મરણ અટકાવવા અંગેની એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. યોગેન્દ્ર પ્રસાદ મહતોની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોના સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટરો હાજર રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ જિલ્લા કક્ષાએથી મળેલા સૂચનોની સમીક્ષા કરી મુંદરા તાલુકામાં માતા મરણના બનાવોને શૂન્ય કરવા માટે જરૂરી પગલાં અને પડકારો પર ચર્ચા કરવાનો હતો.
માતા મરણનું જોખમ ધરાવતી સગર્ભા બહેનોની સમયસર ઓળખ અને ફોલોઅપ સુનિશ્ચિત કરવા માટે એક મહત્વનો નિર્ણય લેવાયો હતો. તમામ ખાનગી સ્ત્રી રોગ નિષ્ણાંતો અને સરકારી ડોક્ટરોનું એક સંકલન ગ્રુપ (સગર્ભા સંભાળ ગ્રુપ મુંદરા) બનાવવામાં આવ્યું જેમાં સગર્ભાવસ્થાની શરૂઆતથી જ લોહીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે પગલાં લેવાશે અને ‘જોખમી માતા’નું ટ્રેકિંગ કરીને તેમને સતત ફોલોઅપ કરવામાં આવશે જેથી માતા મરણના બનાવ અટકાવી શકાય.
બેઠકમાં સૌથી મહત્વનો મુદ્દો લોહીની કમી (એનિમિયા) અને બ્લડ બેંક/સ્ટોરેજની સુવિધા અંગે ચર્ચાયો હતો. હાલમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર મુંદરા ખાતે બ્લડ સ્ટોરેજની સેવા બંધ છે. અધિક્ષક ડો. મંથન ફફલે જણાવ્યું કે વારંવાર લાઈટની વધઘટ અને જર્જરિત બ્લડ સ્ટોરેજ રૂમમાં છતમાંથી પાણી ટપકવાના કારણે શોર્ટ સર્કિટ અને સંગ્રહ કરેલ લોહી બગડી જવાનું કારણ આપ્યું હતું. બેઠકમાં નિર્ણય લેવાયો કે આ ગંભીર માળખાગત સમસ્યાનું નિરાકરણ લાવી બ્લડ સ્ટોરેજની સુવિધા તાત્કાલિક પુનઃ શરૂ કરવા માટે જિલ્લા કક્ષાએ વિગતવાર રજૂઆત કરવામાં આવશે.
આ ઉપરાંત ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ઇમરજન્સી જોખમી સગર્ભાને રિફર કરવા માટે બિનજરૂરી વાર્તાલાપને કારણે થતા સમયનો બગાડ અટકાવવા માટે સંબંધિત વિભાગને ઇમરજન્સીમાં તાત્કાલિક સેવા પૂરી પાડવા માટે જાણ કરવા વિનંતી કરવામાં આવી હતી. તેમજ જિલ્લા હોસ્પિટલના જવાબદાર અધિકારીઓના કોન્ટેક નંબર ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરવામાં આવી જેથી અહીંથી રિફર કરતાં પહેલાં તેમને જાણ કરી શકાય અને દર્દી પહોંચતાની સાથે જ તાત્કાલિક સારવાર શરૂ થઈ શકે.
અધ્યક્ષશ્રીએ તમામ હાજર ડોક્ટરો અને સ્ટાફનો માતા મરણ અટકાવવાના કાર્યમાં સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને બેઠકનું સમાપન કર્યું હતું. બેઠકમાં થયેલી તમામ ચર્ચાની મિનિટ નોંધ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને મોકલી આપવામાં આવી છે જેના પર સત્વરે પગલાં લેવાય તેવી અપેક્ષા છે. આ બેઠકમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર મુંદરાના અધિક્ષક ડો. મંથન ફફલ, સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. તીર્થ પટેલ, ભુજપરના અધિક્ષક ડો. રતન ગઢવી, ગીતા હોસ્પિટલના ડો. કુંદન મોદી, આરતી હોસ્પિટલના ડો. સુશીલા ચૌધરી, મીમ્સ હોસ્પિટલના ડો. શાલિનીબેન રાકેશ, વી. એલ. વોરા પ્રસુતિ ગૃહના ડો. જાન્વીબેન ઓઝા હાજર રહીને વિવિધ સૂચનો કર્યા હતા.



વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




