KUTCHMUNDRA

કચ્છ યુનિવર્સિટીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે સ્પીડ બ્રેકર અને ઝીબ્રા ક્રોસિંગ બનાવવાની ઉગ્ર માંગ

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

કચ્છ યુનિવર્સિટીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે સ્પીડ બ્રેકર અને ઝીબ્રા ક્રોસિંગ બનાવવાની ઉગ્ર માંગ

 

ભુજ, તા. 9:

કચ્છ જિલ્લાના શૈક્ષણિક હૃદય સમાન ભુજ ખાતે મુંદરા રોડ પર આવેલી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. યુનિવર્સિટીના મુખ્ય ગેટ પાસે અગાઉ ટ્રાફિક નિયંત્રણ માટે સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા હતા પરંતુ નવો રોડ બન્યા બાદ આ સ્પીડ બ્રેકર દૂર કરી દેવાયા છે. લાંબો સમય વીતી જવા છતાં તંત્ર દ્વારા અહીં ફરીથી સ્પીડ બ્રેકર બનાવવાની તસ્દી લેવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીનો મુખ્ય ગેટ સ્ટેટ હાઈવે પર આવેલો હોવાથી અહીંથી ભારે વાહનો અત્યંત પૂરઝડપે પસાર થાય છે. હજારોની સંખ્યામાં અવરજવર કરતા વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને વહીવટી કર્મચારીઓને રોડ ક્રોસ કરવામાં જીવનું જોખમ ખેડવું પડે છે. એટલું જ નહીં યુનિવર્સિટીની બસોને ગેટ પાસે ઉભી રાખવામાં કે ટર્ન લેવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે અકસ્માતનો ભય સતત તોળાતો રહે છે.

સરકારી નિયમ અનુસાર જો કોઈ સામાન્ય પ્રાથમિક શાળા પણ હાઈવે પર હોય તો ત્યાં સ્પીડ બ્રેકર અને સુરક્ષાના સાધનો હોવા અનિવાર્ય છે. ત્યારે આ તો સમગ્ર જિલ્લાની એકમાત્ર યુનિવર્સિટી છે જ્યાં પ્રતિદિન હજારો યુવાનોનું ભાવિ ઘડાય છે. વિદ્યાર્થી સંગઠનો અને શૈક્ષણિક સ્ટાફ દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓની સલામતીને સર્વોપરી ગણીને મુખ્ય ગેટ પાસે તાત્કાલિક અસરથી સ્પીડ બ્રેકર બનાવવામાં આવે. સાથોસાથ રસ્તો ઓળંગવા માટે ગેટની બિલકુલ સામે ‘ઝીબ્રા ક્રોસિંગ’ ના પટ્ટા પણ બનાવવામાં આવે જેથી વાહનચાલકો સતર્ક રહે અને પદયાત્રીઓ સુરક્ષિત રીતે અવરજવર કરી શકે.

જો તંત્ર દ્વારા આ મામલે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ ફાટી નીકળવાની શક્યતા છે. યુનિવર્સિટી પ્રશાસન અને માર્ગ-મકાન વિભાગ આ બાબતે સત્વરે ધ્યાન આપે તેવી લોક માંગ ઉઠી છે.

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!