
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
અમદાવાદ : લોકશાહીનો વરવો ચહેરો: ઉમેદવારોને ‘એસી’, શિક્ષકોને ‘તડકો’ અને ભક્તો માટે ‘મંદિરના દ્વાર બંધ’!
અમદાવાદ,તા. 12 : આજની આપણી સિસ્ટમ અને સામાજિક માનસિકતા કેટલી હદે સંવેદનહીન બની ગઈ છે તેનો જીવતો જાગતો પુરાવો આજે અમદાવાદના આંગણે જોવા મળ્યો. ‘શિક્ષિત ગુજરાત’ના દાવાઓ અને ‘ધર્મ’ની મોટી વાતો વચ્ચે જે કરુણતા જોવા મળી તે લોકશાહી અને માનવતા બંને માટે લપડાક સમાન છે.
બપોરે 12 થી 3 ના ધખધખતા ઉનાળામાં ‘ટાટ-હાયર સેકન્ડરી’ (TAT-HS) ની પરીક્ષા માટે કચ્છથી આવેલા ઉમેદવારોને શાળા પ્રશાસને ગેટની બહાર રાખ્યા. શાળાના વિશાળ ગ્રાઉન્ડમાં છાંયો અને પાણી હોવા છતાં માનવતા નેવે મૂકીને દીકરા-દીકરીઓને ધોમધખતા તાપમાં રસ્તા પર ઉભા રાખવામાં આવ્યા. શું આ જ આપણી શિક્ષણ વ્યવસ્થાના સંસ્કારો છે?
હદ તો ત્યારે થઈ જ્યારે આ પરીક્ષાર્થીઓ સાથે આવેલા વાલીઓ જેમાં મોટી સંખ્યામાં દીકરીઓના માતા-પિતા હતા તેઓ બાજુમાં જ આવેલા ‘કાશી વિશ્વનાથ મહાદેવના મંદિર’ના પ્રાંગણમાં આશરો લેવા ગયા. આપણે શાસ્ત્રોમાં સાંભળ્યું છે કે મહાદેવ તો 24 કલાક જાગતા હોય છે અને તેના દ્વાર સૌ માટે ખુલ્લા હોય છે. પરંતુ અહીં તો ઉલટું જ બન્યું! બપોરે 12:30 વાગ્યે મંદિરના પૂજારીએ ધર્મ અને સેવાની તમામ મર્યાદાઓ ઓળંગીને વાલીઓને મંદિરના પ્રાંગણમાંથી બહાર કાઢી મૂક્યા અને ગેટ બંધ કરી દીધો! જે ઈશ્વરના ચરણે લોકો શાંતિ શોધવા જાય છે ત્યાં જ આકરા તાપમાં આશરો માંગતા વૃદ્ધો અને વાલીઓ પ્રત્યે આવી ક્રૂરતા? આ તે કેવો ધર્મ?
આ તમામ વિભત્સ દ્રશ્યો વચ્ચે બીજો કરુણ વિરોધાભાસ એ છે કે જે દિવસે શિક્ષિત યુવાનો અને તેમના માવતરો રસ્તા પર રઝળે છે તે જ દિવસે કચ્છમાં જનતાના કહેવાતા ‘સેવકો’ માટે ધારાસભ્યશ્રીની હાજરીમાં ‘એસી’ (AC) હોલમાં મિલન યોજાય છે! જેમને ભવિષ્યમાં પ્રજાની સેવા કરવી છે તેમને અત્યારથી જ ગરમી સહન નથી થતી? અને જે યુવાનો ખરેખર રાષ્ટ્રના ભવિષ્યનું ઘડતર કરવાના છે તેમના માટે ન તો તંત્ર પાસે વ્યવસ્થા છે ન શિક્ષણ સંસ્થાઓ પાસે માનવતા કે ન તો ધર્મના રખેવાળ હોવાનો દાવો કરતા લોકો પાસે સંવેદના!
ગુજરાતના શિક્ષણ વિભાગની ધૂરા જેમના હાથમાં છે તેવા શિક્ષણમંત્રી પ્રદ્યુમનસિંહ વાજા અને રિવાબા જાડેજા શું આ શાળાઓની જડતા સામે પગલાં લેશે? જેમના સ્વભાવમાં મૃદુતા અને નિર્ણયોમાં મક્કમતા છે તેવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આ સંવેદનહીન વ્યવસ્થાને બદલવા માટે હસ્તક્ષેપ કરશે ખરા?
ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેઓ પોતાને દેશની દરેક દીકરીના ભાઈ માને છે અને ‘બેટી બચાવો, બેટી પઢાવો’નો નારો આપ્યો છે તેમના જ રાજ્ય (વતનભૂમિ)માં જો દીકરીઓને પરીક્ષા આપવા માટે અને તેમના માવતરોને આશરો લેવા માટે આમ વલખાં મારવા પડે તો તે અત્યંત પીડાદાયક છે.
મુખ્ય પ્રશ્નો:
1. શું પરીક્ષાર્થીઓ માટે અડધો કલાક વહેલા ગેટ ખોલવાથી શિસ્તનો ભંગ થઈ જાત?
2. શું મહાદેવના દરબારમાં આશરો લેવો એ ગુનો છે? પૂજારીઓ ક્યારથી ભગવાનના ઘરના માલિક બની ગયા?
3. જે નેતાઓને એસી વગર જનસંપર્ક નથી ફાવતો તે ગરીબ જનતાની પીડા શું સમજવાના?
આ ઘટના શરમજનક છે. એક બાજુ સંઘર્ષ કરતો શિક્ષિત વર્ગ અને તેના લાચાર માવતરો છે અને બીજી બાજુ સુવિધાઓમાં રાચતો રાજકીય વર્ગ તથા જડ ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ. જનતાએ હવે નક્કી કરવાનું છે કે આપણે કેવો સમાજ બનાવી રહ્યા છીએ.







વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




