
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુન્દ્રાના વોર્ડ નંબર 4 માં સઘન સફાઈ ઝુંબેશ; માર્ગો પરથી રેતીના થર દૂર કરાયા
મુન્દ્રા,તા.3: મુન્દ્રા શહેરના વોર્ડ નંબર 4 ના રહીશોની સુખાકારી અને શહેરની સુંદરતામાં વધારો કરવાના ઉમદા હેતુ સાથે તાજેતરમાં એક વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ હેઠળ વોર્ડના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં સઘન સફાઈ કામગીરી કરીને વિસ્તારને ચકચકાટ કરવામાં આવ્યો છે.
આ સફાઈ અભિયાન અંગેની વિગતો મુજબ વોર્ડ નંબર 4 ના મુખ્ય માર્ગો પર લાંબા સમયથી રેતીના થર જમા થયા હતા. આ રેતીના કારણે વાહન ચાલકો સ્લિપ થવાનું જોખમ રહેતું હતું અને સતત ઉડતી ધૂળને કારણે સ્થાનિકોના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર પડતી હતી. આ સમસ્યાને ગંભીરતાથી લઈને સેનીટેશન ચેરમેન શક્તિસિંહ રાઠોડ ના વિશેષ સહયોગ અને માર્ગદર્શન હેઠળ વોર્ડ મેન ઇબ્રાહિમભાઈ સુમરા તથા તેમની સફાઈ કર્મચારીઓની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ટીમ દ્વારા રસ્તા પર જમા થયેલી રેતીને સંપૂર્ણપણે દૂર કરી માર્ગોને ખુલ્લા અને સ્વચ્છ કરવામાં આવ્યા છે. ઇબ્રાહિમભાઈ સુમરા અને તેમની ટીમની આ નિષ્ઠાપૂર્વકની મહેનતને કારણે સમગ્ર વિસ્તારનો નજારો બદલાઈ ગયો છે. ઘણા સમયથી પેન્ડિંગ રહેલી આ સમસ્યાનો ત્વરિત નિકાલ આવતા સ્થાનિક રહીશોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
સ્થાનિક નાગરિકોએ તંત્રની આ કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે સફાઈ બાદ હવે રસ્તાઓ સુંદર અને ચાલવા લાયક બન્યા છે. આ સફળ કામગીરી બદલ રહીશોએ સેનીટેશન વિભાગ અને સફાઈ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.




વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



