
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
ભુજ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ડિજિટલ અરેસ્ટ અને નાણાકીય ફ્રોડથી બચવા લાલન કોલેજના વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન
મુંદરા,તા.28: મે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ (બોર્ડર રેન્જ, ભુજ) દ્વારા સાયબર ગુનાઓ અટકાવવા અને જનજાગૃતિ ફેલાવવા આપેલ સૂચનાના અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલ. પી. બોડાણા સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. સુશ્રી પી.આર.જાદવ અને એ.એસ.આઇ. ડી.આર.કટારિયા દ્વારા તાજેતરમાં આર. આર. લાલન કોલેજ ભુજ ખાતે વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નશાબંધી અને આબકારી વિભાગ, ભુજ તેમજ એસ.ડી.શેઠીયા બી.એડ. કોલેજ, મુન્દ્રાના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં ૬૦થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પોલીસ ટીમ દ્વારા વર્તમાન સમયમાં વધતા જતા ‘ડિજિટલ અરેસ્ટ’, વિડીયો કોલ હનીટ્રેપ, અને બેંકિંગ ફ્રોડ જેવા ગંભીર વિષયો પર ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. આ પ્રસંગે લાલન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સી.એસ.ઝાલા, નશાબંધી વિભાગના પો.સ.ઇ. શ્રી શૈલેષ મારું અને મુંદરાની એસ.ડી.શેઠીયા કોલેજના ડૉ. હિતેશ કાગથરા તથા ડૉ. દીપક પંડયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંકલન શ્રી એમ. આઇ. બાયડ દ્વારા અને સંચાલન ભક્તિબેન ગજ્જર દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં મુંદરા બી.એડ. કોલેજ દ્વારા સાયબર ટીમ અને મહાનુભાવોનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
જો આપ સાયબર છેતરપિંડીનો ભોગ બનો તો વિલંબ કર્યા વગર તુરંત જ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર કોલ કરવો અથવા www.cybercrime.gov.in પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી તેમજ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
————————
સાયબર ક્રાઇમથી બચવા પોલીસની મહત્વની સૂચનાઓ :
* બેંકિંગ સુરક્ષા: કોઈપણ અજાણ્યા ફોન કોલ પર પોતાની બેંક વિગતો, OTP, CVV કે PIN શેર કરવો નહીં. બેંક ક્યારેય આવી માહિતી ફોન પર માંગતી નથી.
* કસ્ટમર કેર ફ્રોડ: ગૂગલ કે ફેસબુક પરથી મળેલા કસ્ટમર કેર નંબર પર આંધળો વિશ્વાસ ન કરવો. હંમેશા સત્તાવાર વેબસાઇટનો જ ઉપયોગ કરવો.
* UPI સાવધાની: ખાસ યાદ રાખવું કે UPI પિન માત્ર પૈસા મોકલવા માટે જ હોય છે, પૈસા મેળવવા માટે પિનની જરૂર પડતી નથી. અજાણ્યા QR કોડ સ્કેન કરવાનું ટાળવું.
* ડિજિટલ અરેસ્ટ અને લોન એપ્સ: પોલીસ કે એજન્સીના નામે આવતા ફેક વિડીયો કોલથી ડરવું નહીં. તેમજ ટૂંકા ગાળાની લોન આપતી શંકાસ્પદ એપ્સ ડાઉનલોડ ન કરવી.
* ઓનલાઇન ટ્રેડિંગ: કોઈપણ વ્યક્તિ કે વ્યાપારીને વેરીફાય કર્યા વગર નાણાકીય લેવડ-દેવડ કરવી નહીં.


વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




