
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
જર્જરિત શાળા – ખુલ્લા મેદાનમાં ભણતા બાળકો : આણંદસરના વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમાં?
એક શિક્ષક : પાંચ ધોરણ અને તૂટી પડતી શાળા – કચ્છનું તંત્ર હજુ શા માટે નિષ્ક્રિય?
અહેવાલ : જગદીશ દવે, દેશલપર (ગુંતલી)
નખત્રાણા તાલુકાના આણંદસર ગામે આવેલી પ્રાથમિક શાળાની દયનીય સ્થિતિ સામે આવી છે, જ્યાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. શાળાના ઓરડા વર્ષોથી જર્જરિત હાલતમાં હોવાથી બાળકોને ખુલ્લા મેદાનમાં ભણવા મજબૂર થવું પડી રહ્યું છે.
આ શાળામાં ધોરણ 1 થી 5 સુધીના વર્ગો ચાલે છે, પરંતુ છેલ્લા બે વર્ષથી માત્ર એક જ શિક્ષક તમામ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. સાથે સાથે તેઓ આચાર્ય તરીકેની જવાબદારી પણ નિભાવી રહ્યા છે, જે શિક્ષણ વ્યવસ્થાની ગંભીર ખામી દર્શાવે છે.
માહિતી મુજબ, વર્ષ 2018થી શાળાના ઓરડાઓ ખરાબ હાલતમાં છે. એસ.એમ.સી.ના સભ્યો દ્વારા અનેક વખત રજુઆતો કરવા છતાં નવા ઓરડાના નિર્માણ માટે કોઈ મંજુરી આપવામાં આવી નથી.
વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને હાલ શિક્ષક દ્વારા શાળાના મેદાનમાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે, પરંતુ આ સ્થિતિ ચિંતાજનક છે.
વિરોધાભાસરૂપે, આણંદસર પંચાયત વિસ્તારમાં આવેલી બીજી શાળામાં જરૂરી કરતાં વધુ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે, જ્યારે અહીં શિક્ષકની ભારે અછત છે. જિલ્લા શિક્ષણ અધિકારી સુધી રજુઆત પહોંચતા તેઓએ તાલુકા શિક્ષણ અધિકારીને સૂચના આપી હોવા છતાં કોઈ કાર્યવાહી જોવા મળી નથી.
આ મામલે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કરશનભાઈ સીજુ તથા સ્થાનિક લોકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે અને તાત્કાલિક ઉકેલ લાવવાની માંગણી કરી છે. તેઓએ ચેતવણી આપી છે કે, જો ઝડપથી કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર રજૂઆતો કરવામાં આવશે.



વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




