
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
કેન્સર સામેની લડાઈમાં સરકારી અભિગમમાં વિરોધાભાસ : એક તરફ કરોડોના ખર્ચે એચ.પી.વી. રસીકરણ અને બીજી તરફ વ્યસનોને છૂટો દોર?
કચ્છ, તા. 4:
ગુજરાત સરકાર દ્વારા હાલમાં ૧૪ વર્ષની દીકરીઓને ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપવા માટે એચ.પી.વી રસીકરણની વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જે અંતર્ગત તંત્ર દ્વારા લક્ષ્યાંકો પૂરા કરવા માટે કર્મચારીઓ પર ભારે દબાણ કરવામાં આવી રહ્યું છે. જોકે આ ઝુંબેશ સામે જાગૃત નાગરિકોમાં એક મોટો તાર્કિક સવાલ ઉઠી રહ્યો છે કે શું માત્ર એક ચોક્કસ વયજૂથની દીકરીઓને રસી આપવાથી કેન્સર મુક્ત સમાજનું નિર્માણ શક્ય છે? એચ.પી.વી રસીકરણનો લાભ અત્યંત મર્યાદિત છે કારણ કે તે માત્ર ૧૪ વર્ષની દીકરીઓ એટલે કે સ્ત્રી લાભાર્થીઓના માત્ર એક વર્ષના નાના વયજૂથને જ આવરી લે છે. તેની સામે જો સરકાર વ્યસનમુક્તિ અભિયાન અને તમાકુ-દારૂ પરના કડક પ્રતિબંધો પર ધ્યાન આપે તો તેનો લાભ જન્મથી લઈને ૧૦૦ વર્ષ સુધીના તમામ સ્ત્રી અને પુરુષોને મળી શકે તેમ છે. મોઢાના કેન્સર, આંતરડાના કેન્સર અને ટીબી જેવા જીવલેણ રોગો માટે મુખ્યત્વે જવાબદાર એવા તમાકુ, ગુટકા અને નશાકારક પદાર્થો સામે જો રસીકરણ જેવો જ આગ્રહ રાખવામાં આવે તો લાખો લોકોના જીવ અને કરોડો રૂપિયાની બચત થઈ શકે છે.
ખાસ કરીને જયારે કિશોરાવસ્થામાં જ બાળકો આ વ્યસનોના રવાડે ચડે છે જેને અટકાવવા માટે જો રસીકરણની જેમ તમાકુ નિયંત્રણ ધારા (કોટપા)નો કડક અમલ કરવામાં આવે તો સરકાર અને જનતા બંનેના કરોડો રૂપિયા બચી શકે છે અને લાખો લોકોને ભયાનક બીમારીઓમાંથી મુક્તિ મળી શકે છે.
વધુમાં ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદામાં જે રીતે પરિવર્તનોની પવન ફૂંકાયો છે તે સ્વાસ્થ્યલક્ષી નીતિઓ પર મોટા સવાલો ઊભા કરે છે. ગિફ્ટ સિટીમાં છૂટછાટ બાદ હવે સમગ્ર રાજ્યમાં દારૂબંધી હટાવવાની જે અટકળો તેજ બની છે તે જોતા સામાજિક ચિંતામાં વધારો થયો છે. એક તરફ કેન્સર મુક્ત રાજ્ય બનાવવા માટે કરોડોના ખર્ચે રસીના કેમ્પ યોજવા અને બીજી તરફ કેન્સર તથા લીવરની ગંભીર બીમારીઓ માટે જવાબદાર એવા નશાકારક પદાર્થોને પ્રોત્સાહન મળે તેવી નીતિઓ ઘડવી તે તંત્રનો મોટો વિરોધાભાસ છે. કચ્છ જેવા જિલ્લામાં જ્યાં રસીકરણની કામગીરી ઓછી છે ત્યાં લોકોમાં અવિશ્વાસનું મુખ્ય કારણ તંત્રની આવી બેવડી નીતિઓ અને જવાબદારીનો અભાવ જ છે. જો સરકાર ખરેખર કેન્સર અને ટીબી મુક્ત ગુજરાત ઈચ્છતી હોય તો માત્ર એક વર્ષના વયજૂથની દીકરીઓના રસીકરણ પાછળ આટલું દબાણ કરવાને બદલે તમામ વયના લોકોના સ્વાસ્થ્યને અસર કરતા વ્યસનમુક્તિ અભિયાનને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવું જોઈએ. માત્ર આંકડાકીય લક્ષ્યાંકો પૂરા કરવાને બદલે પાયાના સ્તરેથી વ્યસનોને નાબૂદ કરવા માટે કડક કાયદાકીય અને સામાજિક કાર્યવાહી કરવામાં આવે તો જ સાચા અર્થમાં ગુજરાતનું ભવિષ્ય સુરક્ષિત અને નિરોગી બનશે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




