
રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
કચ્છના શિક્ષણનું ભવિષ્ય જોખમમાં: સ્થાનિક કચ્છી શિક્ષકોની ભરતી કરવા માંગ
મુંદરા, તા. 21 : છેલ્લા ઘણા સમયથી કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોની અછતનો પ્રશ્ન વિકરાળ બન્યો છે. આ સમસ્યાનું મુખ્ય કારણ બહારના જિલ્લાઓમાંથી આવતા શિક્ષકો છે, ( જેને સ્થાનિક લોકો મહેસાણિયા તરીકે ઓળખે છે) જેઓ નોકરી મેળવ્યા બાદ ટૂંકા ગાળામાં જ પોતાના વતનમાં બદલી કરાવીને ચાલ્યા જાય છે. આ પરિસ્થિતિને કારણે કચ્છ ‘ભરતી માટેનો જિલ્લો’ બની રહ્યો છે અને સ્થાનિક શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ રહી છે. તાજેતરમાં પ્રામાણિક અને સ્પષ્ટવક્તા સત્યવાદી પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રભાઈ વાઘેલાએ આ બાબતે સક્રિય પ્રયાસ કરતાં તેમને બીમારી અને અંગત કારણોનાં બહાના હેઠળ રાજીનામું આપવાની ફરજ પડી હતી. આ ઘટનાએ શિક્ષણ જગતમાં હડકંપ મચાવ્યો છે.
કચ્છના લોકો લાંબા સમયથી કચ્છી ભાષા અને સંસ્કૃતિને સમજતા સ્થાનિક શિક્ષકોની માંગ કરી રહ્યા છે. આ માંગને ધ્યાનમાં રાખીને સરકારે વિશેષ શિક્ષક ભરતીને મંજૂરી આપી છે, પરંતુ આજ દિન સુધી આ પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. આ દરમિયાન, બહારના ભ્રષ્ટાચારી અધિકારીઓ દ્વારા બદલીઓ કરાવવામાં આવી રહી છે, જે આ પ્રક્રિયામાં અવરોધરૂપ છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે ભૂપેન્દ્રભાઈ વાઘેલાના રાજીનામા બાદ તેમનો ચાર્જ 300 કિલોમીટર દૂર મહેસાણા જિલ્લામાંથી અલગ થયેલા પાટણના અધિકારીને સોંપવામાં આવ્યો છે, જેને લોકો “દૂધની ચોકીદારી માટે બિલાડીની નિમણૂક” તરીકે ગણી રહ્યા છે. આનાથી કચ્છના શિક્ષણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છના નાગરિકો સરકાર પાસે નીચે મુજબની માગણીઓ કરી રહ્યા છે:
* સ્થાનિક ઉમેદવારોને પ્રાથમિકતા: સરકારે કચ્છી ઉમેદવારો માટેની વિશેષ ભરતી પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવી જોઈએ અને સ્થાનિક ઉમેદવારોને સરકારી નોકરીઓમાં પ્રાથમિકતા આપવી જોઈએ.
* બદલી નીતિમાં કડક સુધારો: રાજ્ય સરકારે અગાઉ જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ જેવી શરતો સાથે ભરતીને મંજૂરી આપી છે, પરંતુ સમય જતાં નવા પરિપત્રો બહાર પાડીને આ નિયમો રદ કરી દેવામાં આવે છે, જેની લોકોને જાણ પણ થતી નથી. આથી, સરકારે આ પ્રકારની બદલીઓની નીતિ પર પુનર્વિચાર કરવો જોઈએ અને કાયમી ધોરણે જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિની નીતિનું કડક પાલન કરવું જોઈએ.
* શિક્ષકોની લાયકાત અને બદલી: તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકો માટે પણ શિક્ષક લાયકાત પરીક્ષા (TET) પાસ કરવી ફરજિયાત છે. આ ચુકાદાનું સન્માન જળવાય તે માટે, અન્ય જિલ્લામાં બદલી પામેલ શિક્ષકોને પણ TET પરીક્ષા પાસ કર્યા બાદ જ બદલીની મંજૂરી આપવી જોઈએ.
* સ્થાનિક અધિકારીની નિમણૂક: જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જેવા મહત્વના પદ પર કચ્છના જ કોઈ સક્ષમ અને પ્રામાણિક અધિકારીની નિમણૂક થવી જોઈએ. આ માટે જો ઉચ્ચ વર્ગના કોઈ ભણેલા અધિકારી ન મળે, તો સ્થાનિક ભૌગોલીક પરિસ્થિતિ અને કચ્છી બોલીને સમજતા કોઈ અનુભવી કચ્છી અધિકારીની પણ સહાયતા લેવી જોઈએ. આનાથી સ્થાનિક પરિસ્થિતિને વધુ સારી રીતે સમજી શકાય અને ભ્રષ્ટાચાર અટકાવી શકાય.
કચ્છના લોકોનો આશાવાદ છે કે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ ગંભીર સમસ્યામાં વ્યક્તિગત રીતે હસ્તક્ષેપ કરશે. તેમના નેતૃત્વ હેઠળ કચ્છના શિક્ષણના ભવિષ્યને સુરક્ષિત કરી શકાય છે અને સ્થાનિક બાળકોને તેમની માતૃભાષામાં યોગ્ય શિક્ષણ મળી રહે તે સુનિશ્ચિત કરી શકાય છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



