KUTCHMUNDRA

અમરસન્સ પરિવારના પ.પૂ. સુવિધિબાઈ મહાસતીજીએ માંડવી તાલુકાના બિદડા ગામે ૧૨મી માર્ચને ગુરુવારથી સંથારો (અનશન વ્રત) આદરેલ છે.

સોમવારે મહાસતીજીનો સંથારો પાંચમાં દિવસમાં પ્રવેશયો.

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

અમરસન્સ પરિવારના પ.પૂ. સુવિધિબાઈ મહાસતીજીએ માંડવી તાલુકાના બિદડા ગામે ૧૨મી માર્ચને ગુરુવારથી સંથારો (અનશન વ્રત) આદરેલ છે.

________________________

સંસારી પિતા અને સંસારી પતિના પગલે-પગલે સુવિધિબાઈ મહાસતીજીએ સંથારો આદરેલ છે.

________________________

સોમવારે મહાસતીજીનો સંથારો પાંચમાં દિવસમાં પ્રવેશયો.

મુંદરા, તા. 16:

જૈન ધર્મમાં સંથારો એ મુખ્યત્વે સંસાર અને સંયમની સમસ્ત ઇચ્છાઓ, વાસના, તૃષ્ણા, સંપતિ, વ્યક્તિઓ આદીનો, અન્નજળ ત્યાગ કરી સ્વેછાએ આનંદથી મૃત્યુને આમંત્રિત કરવાની ધાર્મિક પ્રક્રિયા છે.

જૈન સમાજના દિલેર દાતાશ્રી અમરસન્સ પરિવારના મોભી સંસારી નામ ઝવેરબેન ડુંગરશી વોરા.”યથા નામ યથા ગુણ” આ પંક્તિ ને સાર્થક કરીને ઝવેરાત સમા ઝળહળતા ઝવેરબેન પિતાશ્રી પૂ. અનશન આરાધક માલશી સ્વામી, (કચ્છ આઠ કોટિ મોટી પક્ષ સંપ્રદાય) પતિદેવ અનશન આરાધક ડુંગરશીભાઈ વોરા. પિતા અને પતિના પગલે ચાલનારા આ ઝવેરબેન પાછી પાની કરે? ના ના ન કરે કારણ ધર્મના સંસ્કારો લઈને આ જગત પર આવ્યા છે.

“હીરા મુખ સે ના કહે, લાખ હમારા મુલ.”

એમના પુન્ય પગલે ઘરમાં પણ ખૂબ જ સુખ સાહેબી હતી. પણ ધર્મને સમજેલા હતા તેથી દુનિયા કે જગતના રંગરાગમાં ન ફસાતા આદ્યાત્મ જ્યોતને પ્રજ્વલિત કરવા પ્રથમ શ્રાવિકા પણું સ્વીકાર્યું અને એક દિવસ આયંબિલ અને એક દિવસ એકાસણું સાથે રાત્રી પૌષધ તો ખરું જ.પતિદેવ શ્રાવકજીને ધર્મના મર્મથી સમજાવી સંથારાના ભાવ કરાવીને એમને પણ સદગતિ અપાવી. સાથે નાના દિકરા સ્વ. નિમેષભાઈની સંપૂર્ણ જવાબદારી પણ સાંભળી.

જેવા નિમેષ ભાઈ આ ફાની દુનિયા છોડી પરલોક સિધાવ્યા અને પુત્ર જવાબદારીથી મુક્ત થયા કે તેમને ૧૦ વર્ષ પહેલા કેન્સરનું નિદાન થતા અને ઉપચાર કરતા પુણ્યોદયે સારૂ થઈ ગયું. મનથી ત્યારે જ સંકલ્પ કર્યું કે ભલે અલ્પ સમય પણ સંયમ અવશ્ય લેવું જ છે.

મોટા દિકરા શ્રી મનીષભાઈ અને પુત્રવધુ શ્રીમતી ખીલતીબેનને બોલાવીને કહયુ કે આ સંસારની ભૌતિક સુવિધા બની જશે.

ભવ ભ્રમણ રૂપ દુવિધા‌નથી જોઈતી આ ભવ ભ્રમણ રૂપ દુવિધા‌મને તો જોઈએ છે હવે “સાશ્વત સુવિધિ” સુવિધા. હવે મને આ અસાર સંસારમાં કોઈ રસ નથી હવે મને સંયમ માર્ગે જવાની ખુશીથી અનુમતિ આપો. માતાના વચનો સાંભળીને એક વખત તો શ્રી મનીષભાઈનું મસ્તક જાણે શૂન્યાવકાશ જેવું થઈ ગયું આંખોમાંથી અશ્રુ ધારા વહેવા લાગી. ચિંતન કરતાં અને ધર્મને સમજતા‌ જો મમ્મીની ૭૫ વર્ષની જૈફ વયે દિક્ષા લેવાની પ્રબળ ઈચ્છા અને દ્રઢ સંકલ્પ છે ત્યારે એમની ઈચ્છાને માન આપી રજા આપી.

બરોબર કોરોનાના કપરા કાળમાં કચ્છ માદરે વતન એવા નવીનાર ગામે શ્રી કચ્છ આઠ કોટિ મોટી પક્ષ સંપ્રદાયમાં પૂ. ગુરૂદેવ શ્રી જીતેન્દ્ર મુનિના હસ્તે આજથી ૦૫ વર્ષ પહેલા નવીનાળ (તા.મુન્દ્રા) ગામમાં સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગે પ્રયાણ કરી દીક્ષા અંગીકાર કરી, ઝવેરબેનમાંથી સુવિધિબાઈ મહાસતીજી નામ ધારણ કર્યું કરી પૂ.ગુરૂણીમૈયા તારાબાઈ સ્વામીનું શિષ્યત્વ સ્વકાર્યું.

પોતાના સમગ્ર જીવનમાં ખૂબ જ દાનની ગંગા વહાવી પરોપકાર, સેવા અને સંતવૈયાવચ્છના પરમ આગ્રહી હતા. સંપ્રદાય વાદ જરા પણ ન હતો. એમના માટે સબ સંત સમાન. ખુબજ સરળ અને પ્રેમાળ તેમજ મિતભાષી હતા.

જે કોઈ સંપ્રદાયની દિક્ષામાં જાય ત્યારે અંતરથી રડી પડતા કે આ કેવા ભાગ્યશાળી છે કે સંસારમાંથી નીકળી ગયા અને મારા કેવા કર્મ અને અંતરાય છે કે મારે સંસારમાં ન છુટકે પણ રહેવું પડે છે અને ત્યાં ને ત્યાં દીક્ષાના મંડપમાં જ એક નિયમની ધારણા કરી યાવત્ત જવજજીવ ના એક વસ્તુના ત્યાગના પચ્ખ્ખાણ લઈ લેતા હતા. શુદ્ધ ભાવથી કરેલ સંકલ્પ ક્યારે પણ નિષ્ફળ ન જાય અને ૭૫ વર્ષની જૈફ વયે પણ ચરિત્ર મોહનીયની અંતરાય તૂટી ગઈ અને ચરિત્ર ઉદયમાં આવ્યું.

કેવા ભાગ્યશાળી કે આપણા ૩ મનોરથ છે તો પ્રથમ શ્રાવકપણું બીજા નંબરે સંયમ અને હવે ત્રીજા મહાન મનોરથ ને સાધવાનો પ્રચંડ પુરુષાર્થ સાથે પૂરા આનંદ અને જાગૃતતાથી સંયમ સાધના કરી. અંતિમ સમયને સાર્થક કરવા ઉત્તમ અનશન ભાવ સાથે કચ્છ આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના કચ્છ કેસરી આચાર્યશ્રી પૂનમચંદ્રજી સ્વામીના પરિવારના પ.પૂ. તારાબાઈ મહાસતીજીના શિષ્યા તથા અમરસન્સ પરિવારના‌ સંસારી પક્ષે માતૃશ્રી, પ.પૂ. સુવિધિબાઈ મહાસતીજી (ઉંમર 83 વર્ષ), દીક્ષા પર્યાય ૦૫ વર્ષએ તા.૧૨-૦૩-૨૬ ને ગુરુવારના રોજ કાર્યવાહક પ.પૂ. તારાચંદ સ્વામી મ.સા.પ.પૂ. પ્રશાંતમુનિ, પ.પૂ. સમર્પણમુનિ મ.સા. તથા પ.પૂ. દમયંતીબાઈ મહાસતી, પ.પૂ. તારાબાઈ મહાસતી, પ.પૂ. સંગીતાબાઈ મહાસતી, પ.પૂ. નિપુણાબાઈ મહાસતી, પ.પૂ. ઉજ્જવલાબાઈ મહાસતી, અચલગચ્છ જૈન સંઘના જયગુણાશ્રીજી મ.સા., પાર્શ્વચંદ્ર ગચ્છના પ.પૂ. ગીતાશ્રીજી મ.સા. આદી ઠાણા-૨૬ સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં તથા પ.પૂ.મહાસતીજીના સંસારી પુત્ર મનીષભાઈ, પુત્રવધુ ખીલતીબેન, જેઠાણી લક્ષ્મીબેન અને પ્રભાબેન તથા ચતુર્વિધ સંઘની હાજરીમાં માંડવી તાલુકાના બિદડા ગામે બિદડા સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં સંથારો (અનશન વ્રત) આદરેલ છે.

આજે અનશન વ્રતના ૬ માં ઉપવાસે આગળ વધી રહ્યા છે. પૂ. સુવિધિબાઈ મહાસતીજીની આહારથી અનાહારક પદ તેમજ કર્મ નિર્જરા તરફની આ મનુષ્ય સંયમ સાધક પર્યાય ખૂબ જ શાતા પૂર્વક આત્મઉલ્લાસ સાથે પૂર્ણ થાય. આહાર થી અનાહારક એવા સિધ્ધપદ, પંચમગતિને પ્રાપ્ત કરે એજ અંતરભીની પ્રાર્થના.

બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન શ્રી વિજયભાઈ છેડા, શ્રી શાંતિલાલભાઈ, શ્રી મેહુલભાઈ રાજગોર અને શ્રી જેનીલભાઈએ સંથારો ધારણ કરનાર પ.પૂ. સુવિધિબાઈ મહાસતીજીની સેવા કરી રહ્યા છે. એવું ભુજથી સંસ્થાના અંકિત ગાલાએ એક યાદીમાં જણાવ્યું હતું.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!