
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરાના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયની ૧૫મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી : ભક્તિભાવ સાથે ધ્વજારોહણ સંપન્ન
રતાડીયા,તા.22: મુંદરાના સાનયા પ્રોપર્ટી સ્થિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયની ૧૫મી વર્ષગાંઠ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર જિનાલય પરિસર ભક્તિના રંગે રંગાયું હતું અને શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન-પૂજનનો લાભ લીધો હતો.
વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે સવારે સ્નાત્ર પૂજા ૧૮ અભિષેક તથા ૧૭ ભેદી પૂજા ભણાવવામાં આવી હતી. અંજારના પંડિતજી સુરેશભાઈની ટીમ દ્વારા સંપૂર્ણ વિધિ-વિધાન શાસ્ત્રોક્ત પદ્ધતિથી કરાવવામાં આવ્યું હતું. આ અવસરે જિનાલયને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું, જેમાં પૂજારી ચંદ્રકાંતભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી.
આ મહોત્સવમાં ધ્વજારોહણનો લાભ લોડાઈના મહેતા ગુલાબબેન નાગજીભાઈ પરિવારે લીધો હતો. ધ્વજારોહણ સમયે શ્રદ્ધાળુઓ દ્વારા ‘હોમ પુણ્ય હામ… હોમ પ્રિયન્તામ’ ના ગગનભેદી નારા લગાવવામાં આવતા સમગ્ર જિનાલય ગુંજી ઉઠ્યું હતું. વિધિકારે ધ્વજાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે જિનાલય પર લહેરાતી ધજાના જે કોઈ ભાગ્યશાળી દર્શન કરશે તેનો લાભ ધ્વજાના લાભાર્થી પરિવારને પણ પ્રાપ્ત થશે.
ભક્તિની સાથે સેવાનું કાર્ય પણ અહીં જોવા મળ્યું હતું. આ પ્રસંગે જીવદયા તથા સાધારણ ફંડ માટે દાન એકત્ર કરવામાં આવ્યું હતું જેનો ઉપયોગ પરોપકારના કાર્યોમાં કરવામાં આવશે.
આ મંગલમય પ્રસંગે ચંદ્રકાંતભાઈ શાહ, સુરેશભાઈ મહેતા, હસમુખભાઈ શાહ, કિરીટ મહેતા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. મુંદરા તપગચ્છ જૈન સંઘના સહમંત્રી વિનોદ મહેતાએ આ અંગેની વિગતો આપતા ઉત્સવની સફળતા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.



વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



