KUTCHMUNDRA

મુંદરાની પીટીસી કોલેજમાં ‘વિશ્વ ટીબી દિવસ’ની ભવ્ય ઉજવણી: ‘ટીબી હારેગા, દેશ જીતેગા’ના નાદ સાથે ભાવી શિક્ષિકાઓએ જનજાગૃતિનો સંકલ્પ લીધો

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

મુંદરાની પીટીસી કોલેજમાં ‘વિશ્વ ટીબી દિવસ’ની ભવ્ય ઉજવણી: ‘ટીબી હારેગા, દેશ જીતેગા’ના નાદ સાથે ભાવી શિક્ષિકાઓએ જનજાગૃતિનો સંકલ્પ લીધો

 

મુંદરા, તા. 24:

તાજેતરમાં મુંદરાની શેઠશ્રી લખમશી નપુ ડી.એલ.એડ. (પી.ટી.સી.) કોલેજ ખાતે વિશ્વ ટીબી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુંદરા-બારોઇના મેડિકલ ઓફિસર ડો. તુષાર કલસરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ રાજેન્દ્ર કુબાવતે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને પુસ્તક તથા પુષ્પગુચ્છ દ્વારા તમામનું સન્માન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કર્યા બાદ મુંદરા તાલુકાના હટડી ગામને ‘ટીબી મુક્ત પંચાયત’ જાહેર કરવામાં આવતા પંચાયત પ્રતિનિધિ જગદીશગીરી ગુંસાઈનું ગાંધીજીની પ્રતિમા આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં કોલેજની વિદ્યાર્થીનીઓએ ‘ટીબી હારેગા દેશ જીતેગા’, ‘કુદરતી આપત્તિ વ્યવસ્થાપન’, ‘વ્યક્તિગત સ્વચ્છતા’ તથા ‘સામાજિક જાગૃતિમાં શિક્ષકનું મહત્વ’ જેવા વિષયો પર પ્રભાવશાળી વિચારો રજૂ કર્યા હતા. સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમાંકે અનુક્રમે રીયલબેન હેઠવાડિયા, પૂજાબેન પ્રકાશચંદ્ર ઠક્કર તથા યશ્વીબેન વાઘમશી વિજેતા જાહેર થતા તેમને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ ઉપરાંત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર માનસીબેન પટેલ, આયુષીબા જાડેજા, જાનસીબેન રાજન અને પાયલબા જાડેજાને પણ પ્રમાણપત્ર અને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા હતા. સમગ્ર સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડો. તુષાર કલસરીયા, ખુશ્બુબેન અસારી તથા કિરીટ જોશીએ સેવા આપી હતી.

તાલુકા ટીબી સુપરવાઇઝર મેઘજીભાઈ સોધમે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ભાવી શિક્ષિકાઓને ટીબીના લક્ષણોથી લઈ સારવાર સુધીની તકનીકી માહિતી આપી હતી. આ પ્રસંગે પ્રિન્સિપાલ રાજેન્દ્ર કુબાવતે ખાતરી આપી હતી કે કોલેજની તાલીમાર્થીઓ આગામી સમયમાં આદર્શ શિક્ષિકા તરીકે ‘ટીબી મુક્ત ભારત’ અભિયાનમાં પાયાની ભૂમિકા ભજવશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીની યશ્વીબેન વાઘમશી દ્વારા અને આભાર વિધિ અધ્યાપક કિરીટ જોશીએ કરી હતી. હેલ્થ સુપરવાઈઝર પ્રકાશભાઈ ઠક્કરએ કાર્યક્રમનું સંકલન કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા જવાહરભાઈ નાથાણી, મહેન્દ્રભાઈ વાઘેલા, મંજુલાબેન મેઘાણી, રૂબીનાબેન કેવર, સમીર અધિકારી તથા એમ. જે. સુમરાએ જહેમત ઉઠાવી હતી. અંતમાં આરોગ્ય કેન્દ્ર તરફથી તમામ તાલીમાર્થીઓને પૌષ્ટિક આહાર આપવામાં આવ્યો હતો.

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!