રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
ભુજમાં જૈન બહેનોને શુદ્ધ અને શાકાહારી બેકરી આઇટમ્સ બનાવવા માર્ગદર્શન
ભુજ, તા. 13 : ભારતીય જૈન સંગઠન (BJS) લેડીઝ વિંગ ભુજ દ્વારા BJS ફાઉન્ડેશનના કાર્યક્રમ “નિર્વાણ નોશ” અંતર્ગત તાજેતરમાં એક દિવસીય સાત્વિક બેકરી વર્કશોપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ ગીતાબેન પારેખના સક્ષમ નેતૃત્વ હેઠળ આયોજિત આ વિશેષ કાર્યક્રમ સમસ્ત જૈન સમાજની બહેનો માટે રાખવામાં આવ્યો હતો, જેમાં આશરે ૬૦ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં માસ્ટર શેફ મિનલ શાહ દ્વારા ઉપસ્થિત બહેનોને શુદ્ધ તથા સાત્વિક જૈન આહારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમણે ઘરમાં જ સરળતાથી શુદ્ધ શાકાહારી બેકરી આઇટમ્સ કેવી રીતે તૈયાર કરી શકાય તે અંગે પ્રત્યક્ષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
BJS લેડીઝ વિંગના પ્રમુખ ગીતાબેન પારેખએ આ પ્રોજેક્ટ યોજવા પાછળનો હેતુ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, “સામાન્ય રીતે અન્ય ખાદ્ય આઇટમ્સ બાબતે આપણે વેજ છે કે નહીં તે જાણી શકીએ છીએ, પરંતુ બેકરીની આઇટમ્સમાં ૧૦૦% ખાતરીપૂર્વક કહી શકાતું નથી. તેથી, બહેનોને શુદ્ધ, સાત્વિક અને પ્યોર વેજ બેકરી વસ્તુઓ બનાવવાનો આત્મવિશ્વાસ મળે તે માટે આ ક્લાસનું આયોજન કરાયું છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે માત્ર પાંચ મહિનાના ટૂંકા ગાળામાં BJs લેડીઝ વિંગ ભુજ દ્વારા ૧૮થી વધુ કાર્યક્રમો અને પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે.
પ્રોજેક્ટ અધ્યક્ષ ફાલ્ગુનીબેન પારેખએ આ પ્રસંગે ઓલ ઇન્ડિયા સ્તરે ભારતીય જૈન સંગઠનની ચાલી રહેલી વ્યાપક કામગીરી વિશે સુંદર માહિતી આપી હતી, જ્યારે પ્રોજેક્ટ અધ્યક્ષ સોનુબેન કોઠારીએ સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન સંભાળ્યું હતું.
સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ટીમના સભ્યો મહામંત્રી મનીષાબેન મહેતા, ઉપપ્રમુખ દીપાબેન શાહ, મંત્રી મિરલબેન શાહ, ખજાનચી સરલાબેન દોશી અને મયુરીબેન દોશી દ્વારા સુંદર રીતે સંભાળવામાં આવી હતી. બહેનોએ આ વર્કશોપમાંથી લાભ મેળવીને સંતુષ્ટિ વ્યક્ત કરી હતી.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com