ગોધર તાલુકાના આજણવા ગામે ‘બેટી બચાવો બેટી પઢાવો’ અંતર્ગત મહિલા જાગૃતિ સેમીનાર યોજાયો…

ગોધર તાલુકાના આજણવા ગામે ‘બેટી બચાવો બેટી પઢાવો’ અંતર્ગત મહિલા જાગૃતિ સેમીનાર યોજાયો…..
અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના અંતર્ગત ગોધર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા આજણવા ગામ ખાતે મહિલાઓ માટે એક વિશેષ જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાતિગત સંવેદનશીલતા અને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ જેવા મહત્વના વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. સેમીનાર દરમિયાન જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા મહિલા કલ્યાણ અને સુરક્ષાને લગતી વિવિધ સરકારી યોજનાઓની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ ઉપરાંત જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમની જોગવાઈઓ અંગે ગ્રામીણ મહિલાઓને માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે રવીન્દ્રસિંહ દ્વારા જાતિગત સંવેદનશીલતા અને સામાજિક સમાનતાના મુદ્દાઓ પર સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત, ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજનાના પ્રચાર-પ્રસાર માટે ઉપસ્થિત મહિલાઓને IEC (માહિતી અને શિક્ષણ) સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રોટેક્શન ઓફિસર અને તાલુકા લાઈવલીહુડ મેનેજર સહિત અન્ય સ્ટાફ મિત્રોએ હાજર રહી ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, સ્પીપા ટ્રેનર, સારથી સંસ્થાના રવીન્દ્રસિંહ તેમજ ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર અને જેન્ડર સ્પેશિયાલિસ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.




