KUTCHMUNDRA

કચ્છ જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓની સાગમટે બદલીઓથી ભારે રોષ: ૧૬ ફેબ્રુઆરીથી આંદોલનના એંધાણ

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

કચ્છ જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓની સાગમટે બદલીઓથી ભારે રોષ: ૧૬ ફેબ્રુઆરીથી આંદોલનના એંધાણ

 

ભુજ,તા.3: કચ્છ જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગમાં મોટાપાયે કરવામાં આવેલી વહીવટી બદલીઓ અને કર્મચારીઓના પડતર પ્રશ્નોના મુદ્દે હવે આરપારની લડાઈના મંડાણ થયા છે. જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયત પ્રમુખને પાઠવેલા આવેદનપત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે શૈક્ષણિક સત્ર ચાલુ હોવા છતાં નિયમોને નેવે મૂકીને ૪૦૦ જેટલા કર્મચારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં ૯૦ ટકા એટલે કે ૩૫૯ જેટલા કર્મચારીઓને વહીવટી કારણોસર ૧૫૦ કિલોમીટર જેટલા દૂરના અંતરે ફેંકી દેવાતા કર્મચારીઓના પારિવારિક સમીકરણો ખોરવાયા છે અને ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

આરોગ્ય મંડળના પ્રમુખ દેવજીભાઈ નોરિયા અને મહામંત્રી નિલેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે આરોગ્ય કર્મચારીઓ લાંબા સમયથી ઉચ્ચતર પગાર ધોરણ, સી.પી.એફ. ખાતા ખોલાવવા અને ટ્રાન્સપોર્ટ અલાઉન્સ જેવા વ્યાજબી નાણાકીય પ્રશ્નોની રજૂઆત કરી રહ્યા છે. આ પ્રશ્નો ઉકેલવાને બદલે વહીવટી તંત્ર દ્વારા બદલાની ભાવના રાખીને પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ એમ કર્મચારીઓની છુટાછેડા જેવી સ્થિતિ કરી દેવામાં આવી છે. અત્યાર સુધી તંત્ર દ્વારા માત્ર ૧૪ કર્મચારીઓની બદલીમાં સુધારો કરવામાં આવ્યો છે જે અત્યંત ઓછો છે. જો તંત્ર આગામી ૧૩મી ફેબ્રુઆરી સુધીમાં મંડળ સાથે પરામર્શ કરી બાકીના કર્મચારીઓના પ્રશ્નોનું નક્કર નિરાકરણ નહીં લાવે તો ૧૬મી ફેબ્રુઆરીથી રાજ્ય મહાસંઘના સમર્થન સાથે જિલ્લાવ્યાપી આંદોલન અને ધરણાના કાર્યક્રમો આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ જિલ્લા વિકાસ અધિકારી સામે શિક્ષણ સંગઠન પણ મેદાને પડ્યું છે ત્યારે હવે આરોગ્ય કર્મચારીઓના આક્રોશે વહીવટી તંત્ર માટે નવી મુશ્કેલી ઊભી કરી છે. મંડળે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો સમય રહેતા સંવાદ સાધવામાં નહીં આવે તો આગામી દિવસોમાં થનારા કોઈપણ આંદોલનાત્મક પગલાંની સંપૂર્ણ જવાબદારી જિલ્લા વહીવટી તંત્રની રહેશે.

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!