રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
સ્વદેશી અપનાવો – દેશ બચાવો : સ્થાનિક ખરીદીથી આત્મનિર્ભર ભારત તરફ !
મુંદરા, તા. 15 : નવરાત્રી દરમિયાન ઓનલાઈન કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા ‘મહાસેલ’ અને ૫૦% સુધીના ડિસ્કાઉન્ટની લાલચમાં ઓર્ડર કરનારા ગ્રાહકોને હાલમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુંદરાના બારોઇ રોડ પર આવેલી એક પાર્સલની ઓફિસ (ગોડાઉન) ખાતે રાત્રે મોડે સુધી પાર્સલ મેળવવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી જ્યારે સ્થાનિક બજારોમાં એકલદોકલ ગ્રાહકો જોવા મળતા હતા. ઓનલાઈન ઓર્ડર કર્યાના ૧૫ દિવસથી વધુ સમય વીતી જવા છતાં વસ્તુ ન મળતાં ગ્રાહકો રૂબરૂ ઓફિસે પાર્સલ લેવા આવ્યા હતા. જોકે આશરે એક લાખ જેટલા પાર્સલોના ઢગ વચ્ચે માત્ર થોડાક કર્મચારીઓ જ કામ કરતા જોવા મળ્યા જેઓ વિતરણ કરવામાં અસમર્થ હતા. ગ્રાહકોની વ્યથા એ છે કે એડવાન્સ પેમેન્ટ કરવા છતાં પાર્સલ મળતા નથી અને ૧૦-૧૫ દિવસ પછી કોઈ ફોન કે વાતચીત વગર એકતરફી ‘તમારી માંગણી મુજબ ઓર્ડર કેન્સલ’ થયાનો મેસેજ આવે છે, અને રિફંડ પણ મોડું થાય છે. આના કારણે વિદેશી કંપનીઓ ભારતના લાખો રૂપિયાનો વગર વ્યાજે એકાદ મહિના માટે ઉપયોગ કરે છે.
ઓનલાઈન પ્લેટફોર્મ્સ દ્વારા ગ્રાહકોને ભ્રામક ડિસ્કાઉન્ટની લાલચ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે ૫૦૦ ની વસ્તુને ૨૦૦૦ કિંમત બતાવી ૭૫% ડિસ્કાઉન્ટ સાથે ૫૦૦ વત્તા ડિલિવરી ચાર્જ સાથે ખરેખર કિંમત કરતાં વધુમાં વેચવામાં આવે છે. વળી જે વસ્તુ ખરેખર સસ્તી હોય તેની ડિલિવરી ‘ખોટો પીનકોડ’ કે ‘એડ્રેસ ન મળવાના’ બહાને જાણી જોઈને કેન્સલ કરી દેવાય છે. નવાઈની વાત તો એ છે કે મોબાઈલ નંબર દ્વારા જ લોગ-ઇન થવાતું હોવા છતાં કુરિયર બોય ફોન કરીને સંપર્ક પણ કરતા નથી. જયારે ‘કેશ ઓન ડિલિવરી પેમેન્ટ’ માં એ જ એડ્રસ સરળતાથી મળી જાય છે. ઓર્ડરોની સંખ્યા વધતાં હાલમાં માત્ર ઊંચો નફો આપતી મોબાઈલ અને લેપટોપ જેવી ઇલેક્ટ્રોનિક આઈટમોની જ ડિલિવરી કરવામાં આવે છે. આમાં પણ નબળી ગુણવત્તા અને ‘નો રિટર્ન’ જેવી કડક પોલિસીઓ હોય છે જેના કારણે ગ્રાહક છેતરાયાની લાગણી અનુભવે છે. જેમ કે “લગ્નના આલ્બમમાં જોયેલા ફોટા પછી આધાર કાર્ડ વાળો ફોટો હાથમાં આવે” તેવો તાલ જોવા મળે છે.
આ સંજોગોમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અપાયેલા સૂત્રોનું સાર્થક કરવું અનિવાર્ય છે. ‘સ્વદેશી અપનાવો દેશ બચાવો’, ‘વોકલ ફોર લોકલ’, ‘મેક ઈન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ જેવા સૂત્રો માત્ર રાષ્ટ્રીય ભાવના પૂરતા મર્યાદિત નથી, પરંતુ દેશના અર્થતંત્રને મજબૂત બનાવવાનો સીધો માર્ગ છે. ઓનલાઈન ખરીદીની જટિલતાઓ અને છેતરામણીનો ભોગ બનવાને બદલે સ્થાનિક બજારમાંથી ખરીદી કરવાથી અનેક ફાયદાઓ મળે છે. સ્થાનિક દુકાનોમાંથી વસ્તુને જોઈ ચકાસી અને ટ્રાય કરીને ખરીદી શકાય છે, ગુણવત્તા યુક્ત વસ્તુ મળે છે. વળી વસ્તુ ખરાબ થાય ત્યારે ઓળખીતા દુકાનદારો સારી સર્વિસ પણ આપે છે અને ઘણીવાર ઇલેક્ટ્રોનિક વસ્તુના કિસ્સામાં રિપ્લેસમેન્ટ પણ કરી આપે છે.
નાગરિકોએ જાગૃત થઈને પોતાનો સમય અને નાણાં બચાવીને સ્થાનિક વેપારને પ્રોત્સાહન આપી દેશના વિકાસમાં યોગદાન આપવા અપીલ છે જેથી ગુણવત્તાયુક્ત વસ્તુ પણ મળે અને સ્થાનિક વેપારીઓને ટેકો પણ મળે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com