
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર મુંદરા કચ્છ
મુંદરા તાલુકાના દરેક ગામોમાં ક્રિકેટ ગ્રાઉન્ડ સાથે રનિંગ મીટર ટ્રેક બનાવવાની નેમ વ્યક્ત કરતા સર્વ સેવા સંઘના પ્રમુખ જીગર તારાચંદ છેડા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “ફીટ ઈન્ડિયા”ના વિઝનને સાકાર કરવાની દિશામાં યુવા વર્ગને સ્વાસ્થ્ય અને ખેલકૂદ સાથે જોડવા સંસ્થાના પ્રમુખ જીગર છેડાનો “સ્વસ્થ મુંદરા તંદુરસ્ત મુંદરા”નો સંકલ્પ
મુંદરા, તા. 1 માર્ચ 2026:
કચ્છમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ શ્રી સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજએ હવે યુવા વર્ગને કેન્દ્રમાં રાખી વિશેષ આયોજન ઘડી કાઢ્યું છે. આ અંગે વધુ માહિતી આપતાં સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “ફીટ ઇન્ડિયા”ના વિઝનને સાકાર કરવાની દિશામાં અમે વિનમ્ર પ્રયાસ કર્યો છે. એ સાથે જ હાલ ગ્રામીણ યુવાનોમાં આર્મી, અર્ધ લશ્કરી દળો, પોલીસમાં જોડાવાનો ક્રેઝ છે પણ એની તૈયારી માટે ગામમાં સુવિધા નથી. તો આઇપીએલ બાદ ગામડાઓમાં કિકેટ ફીવર છવાયેલો છે અને ક્રિકેટ ક્ષેત્ર પણ કારકિર્દી માટે સારી તક પૂરી પાડે છે. અમારું આયોજન મુંદરા તાલુકાના દરેક ગામમાં યુવાનો માટે ઘર આંગણે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ જેવી બેઝિક સુવિધા ઉપલબ્ધ બનાવવાનો છે. જેના થકી આજનો યુવા વર્ગ મોબાઇલના વળગણમાંથી છૂટી અને પોતાના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે જાગૃત બને, પોલીસ, આર્મી કે અર્ધ લશ્કરી દળોમાં જોડાઈ પગભર બને, રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે તૈયાર થાય, એ હેતુ સાથે રમત ગમતનું મેદાન વિકસાવવાનું છે.
સંસ્થા વતી સમગ્ર વ્યવસ્થા સંભાળતા વહીવટીમંત્રી મુકેશભાઈ ભટ્ટએ વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગામની નજદીક જ ગ્રાઉન્ડની સુવિધા થકી આર્મી, પોલીસ ભરતી કે અર્ધ લશ્કરી દળોમાં જોડાવા માંગતા યુવાનોને તેમની શારીરિક સજ્જતાની તાલીમ માટે રનિંગ મીટર માર્કિંગ ટ્રેક હશે. તો, ક્રિકેટ ગ્રાઉન્ડની સુવિધા દ્વારા ગામમાં રમતગમત પ્રત્યેનું આકર્ષણ વધશે. આ સુવિધા ગામમાં ઊભી કરવા માટે સ્થાનિકે સંકલન વ્યવસ્થા સંભાળતા જીગ્નેશ રાજગોર, ભાવેન્દ્રસિંહ જાડેજા, હરેન્દ્રસિંહ જાડેજા, શંભુભાઈ આહીર, રામભાઈ ગઢવીની સયુંક્ત યાદીમાં જણાવ્યાનુસાર જે ગામમાં ગ્રાઉન્ડની સુવિધા ઊભી કરવાની રજૂઆત આવશે ત્યાં સ્થાનિક ગ્રાઉન્ડ કમિટી બનાવવાની રહેશે. ગ્રાઉન્ડની જમીન માટેની વહીવટી મંજૂરી, ગ્રામ પંચાયતની જરૂરી મંજૂરી, ગ્રાઉન્ડની જાળવણીની જવાબદારી જે તે ગામની કમિટીએ લેવાની રહેશે. ગામના યુવા વર્ગના શ્રમદાન યોગદાન સાથે સંસ્થા સાફસફાઈ માટે જેસીબી, જમીન લેવલીંગ માટે લોડર કે અન્ય જરૂરી મશીનરી પૂરી પાડશે. ગ્રાઉન્ડ તૈયાર થાય ત્યારે તેની અંદર બાઉન્ડ્રી લાઇનના બ્લોકની સમાંતર ૫૦, ૧૦૦, ૨૦૦ મીટરના ટ્રેકની માર્કિંગ લાઇન કરાશે. ક્રિકેટની પીચના સર્કલથી ૮૦ મીટરના સર્કલમાં લેવલીંગ કરી ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરાશે. પ્રત્યેક ગ્રાઉન્ડમાં બેસવાની આરામદાયક વ્યવસ્થા કરવામાં આવશે. ગ્રાઉન્ડ કમિટીએ સંસ્થાના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. મુંદરા તાલુકાના જે ગામ આ યોજનામાં જોડાવવા ઇચ્છતા હોય તેમને જીગ્નેશ રાજગોર મોબાઈલ નંબર ૮૨૦૦૦૬૬૪૮૧ કોલ દ્વારા અને વ્હોટસએપ નંબર ૮૪૬૯૫૩૬૮૫૬ નો સંપર્ક કરવા જણાવાયું છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




