
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
લોરીયા મંડલ સમસ્ત હિન્દુ સમાજ આયોજિત ‘હિન્દુ સંમેલન’ ભવ્યતાથી સંપન્ન : સંતોએ આપ્યો સામાજિક સમરસતા અને સંગઠનનો સંદેશ
લોરીયા:
લોરીયા મંડલ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજિત હિન્દુ જાગરણને સમર્પિત ભવ્ય ‘હિન્દુ સંમેલન’ શ્રી સુમરાસર આહિર સમાજવાડી ખાતે અત્યંત ઉત્સાહભેર અને દિવ્ય માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયું. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન સંસ્કૃતિ, ધર્મ રક્ષા તથા સામાજિક સમરસતાનો સંદેશ સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો હતો. કાર્યક્રમની શરૂઆત પૂજ્ય સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી જેમાં સંતોએ પોતાના આશીર્વચન રૂપી પ્રવચનો દ્વારા ઉપસ્થિત જનમેદનીમાં નવચેતનાનો સંચાર કર્યો હતો.
રુદ્રાણી જાગીરના મહંત પૂ. લાલગીરીબાપુ, અરજણ મારાજ ગામોટ તેમજ પ્રગટ પાણી કડોલના મહંત વાલજી દાદા, મહેશ્વરી સમાજનાં ધર્મ ગુરુ નવીન માતંગ એ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે હિન્દુ ધર્મનો પાયો ત્યારે જ મજબૂત બનશે જ્યારે આપણે જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલીને ‘સામાજિક સમરસતા’ ના મંત્રને સાર્થક કરીશું. “સંગઠિત હિન્દુ — સુરક્ષિત હિન્દુ” ના સૂત્રને કેન્દ્રમાં રાખીને સંતોએ ભારપૂર્વક જણાવ્યું કે સમાજની એકતા જ આપણી સંસ્કૃતિનું રક્ષણ કરી શકે છે. આ ઉપરાંત પ્રવચનમાં પર્યાવરણ જતન, સંસ્કાર સિંચન અને એકતા જેવા પાયાના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંતોએ આહવાન કર્યું હતું કે દરેક હિન્દુએ પોતાના ધર્મ અને પરંપરાઓનું ગૌરવ લેવું જોઈએ કારણ કે ધર્મ જાગૃતિ એ જ રાષ્ટ્ર જાગૃતિનો માર્ગ છે. રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ પ્રાંત બૌધિક પ્રમુખ જયંતિભાઈ નાથાણીએ પ્રાસંગિક ઉદબોધનમાં હિંદુ સંસ્કૃતિ ઉપર ભાર મૂક્યો હતો.
આ ઐતિહાસિક સંમેલનમાં સુમરાસર, ઢોરી, કુનરિયા, કોટાય, નોખાણીયા, લોરીયા સુદામાવાસ, સંજોટ નગર, આંબેડકર નગર, ઝુરા તથા ઝુરા કેમ્પ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ-બહેનો ઉમટી પડ્યા હતા. સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતી કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરાઈ હતી. કાર્યક્રમના અંતે તમામ ભાવિકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી હતી. લોરીયા મંડલ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખડેપગે સેવા આપનાર તમામ કાર્યકરો, સમાજબંધુઓ અને ઉપસ્થિત જનસમૂહનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.









વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




