
વાત્સલ્યમ્ સમાચાર,
પુજા ઠક્કર – મુંદરા કચ્છ.
🛣️ ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે રામાણીયા ગામે પાંચ કરોડના વિકાસ કાર્યોનું ધમાકેદાર ખાતમુહૂર્ત! 🌳
રતાડીયા,તા.12: મુંદરા તાલુકાના રામાણીયા ગામે તાજેતરમાં વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવેના અધ્યક્ષ સ્થાને આશરે પાંચ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું શુભારંભ (ખાતમુહૂર્ત) કરવામાં આવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમ પરમ પૂજ્ય મતીયાદેવ દાદાના પવિત્ર પરિસરમાં યોજાયો હતો. આ મુખ્ય વિકાસ કાર્યોમાં ગેલડા-રામાણીયા રોડનું રીસરફેસિંગ, ગેલડા-રામાણીયા સ્લેબ ડ્રેઈનનું કામ, રામાણીયા નદી પર ચેકડેમનું રીપેરીંગ અને મતિયા દાદાના પરિસરમાં વન કુટીર જેવા મહત્વના કાર્યોનો સમાવેશ થાય છે.
કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારબાદ ગામના સરપંચશ્રી બળવંતસિંહ ચતુરસિંહ ગોહિલે સૌ મહેમાનો, અધિકારીઓ અને ગ્રામજનોનું ઉષ્માભર્યું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને વિસ્તારમાં થનાર વિકાસ કામો વિશે માહિતી આપી હતી. જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખશ્રી શક્તિસિંહ મહોબતસિંહ જાડેજા(વિરાણીયા)એ પ્રાસંગિક ઉદબોધનમાં રાજ્ય અને કેન્દ્રની ‘ડબલ એન્જિન’વાળી સરકારના વિકાસ કામો અને નીતિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ જિલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ કારોબારી ચેરમેનશ્રી મહેન્દ્રભાઈ ગઢવીએ ભારતીય જનતા પાર્ટીના વિકાસ કાર્યો અને વિશેષરૂપે સરકારની જળ સંચયની કામગીરી વિશે લોકોને સમજાવ્યું હતું. તેમણે 💧 “જલ હૈ તો કલ હૈ” 💧એ વિષય પર ભાર મૂકીને જળ સંચયના કામો કરવાની ખાતરી આપી હતી.
અધ્યક્ષ સ્થાનેથી માનનીય અને કર્મઠ ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવેએ પોતાના વક્તવ્યમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કર્મઠતાને યાદ કરી હતી અને સમજાવ્યું હતું કે વર્તમાન સરકાર એક ‘સર્વજન હિતાય’ સરકાર છે, જેના વિકાસ કાર્યો છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યા છે. તેમણે નાનામાં નાના ગામો સુધી પાકા રસ્તાઓ, પુલો, ચેક ડેમો અને વિવિધ માળખાગત સુવિધાઓ પહોંચાડવા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે પર્યાવરણ સુધારવા માટે ગ્લોબલ કચ્છ તેમજ સદભાવના ટ્રસ્ટ સાથે ગામોને સમન્વય સાધીને વૃક્ષો વાવેતર અને જળસંચયની પ્રવૃત્તિને વેગ આપવા ખાસ અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત તેમણે આગામી ૧૩મી ડિસેમ્બરના રોજ ગાંધીધામ ખાતે ભૂખી નદી નવસર્જન કાર્યક્રમના ખાતમુહૂર્તમાં સૌને પધારવાનું ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું.
આ ભવ્ય કાર્યક્રમમાં મુંદરા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મહિપતસિંહ જાડેજા, રામાણીયા સીટના જિલ્લા પંચાયતના સદસ્યશ્રી દેવશીભાઈ પાતાળિયા, જિલ્લા ભાજપ મંત્રીશ્રી વાલજીભાઈ ટાપરિયા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રણજીતસિંહ જાડેજા, તાલુકા પંચાયતના સભ્યશ્રી રતનભાઇ ગઢવી, એપીએમસીના ચેરમેનશ્રી જામ સાહેબ, તાલુકા પંચાયતના સભ્યશ્રી યુવરાજસિંહ જાડેજા, તાલુકા પંચાયત ભુજપરના સભ્યશ્રી નારણભાઈ, તાલુકા ભાજપ મહામંત્રીશ્રી માણેકભાઈ ગઢવી, તાલુકા ભાજપ ઉપપ્રમુખશ્રી મેઘરાજભાઈ ગઢવી સહિત અનેક પદાધિકારીઓ હાજર રહ્યા હતા. સમાજના અગ્રણીઓમાં કંડલા કોમ્પલેક્ષ મહેશ્વરી સમાજના પ્રમુખશ્રી જીવરાજભાઈ ભાંભી અને મહામંત્રીશ્રી પ્રહલાદભાઈ, અંતરજાળ મહેશ્વરી સમાજના પ્રમુખશ્રી પુનશીભાઈ ખીમજીભાઇ દનીચા તથા ગાંધીધામ મહેશ્વરી સમાજના પૂર્વ પ્રમુખશ્રી અશોકભાઈ ધેડા અને હિતેશભાઈ ધુઆની ગરિમામય ઉપસ્થિતિ હતી. આ ઉપરાંત બેરાજાના સરપંચશ્રી જયેન્દ્રસિંહ જાડેજા, ડેપાના સરપંચશ્રી હિંમતસિંહ ઝાલા, કણઝરાના સરપંચશ્રી શંભુભાઈ આહીર, ભુજપુરના સરપંચ શ્રીમતી લક્ષ્મીબેન ભીમજીભાઇ અને બેરાજા, ડેપા, નાની તુંબડી, મોટી તુંબડી, ગેલડા ગામના સર્વ સમાજના આગેવાનો પણ આ પ્રસંગે ખાસ પધાર્યા હતા.
રામાણીયા ગામના તમામ સમાજના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ને આવેલ મહેમાનો, અધિકારીઓ અને પદઅધિકારીઓનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું અને સરકારના થઈ રહેલ વિકાસ કામોને તાળીઓથી વધાવીને સહયોગની ખાતરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કારાઘોઘાના શ્રી જયંતભાઈ શેઠીયા દ્વારા કરાયું હતું, જ્યારે ઉપસરપંચશ્રી ઠાકરશી માવજીભાઈ દ્વારા આભાર વિધિ કરાઈ હતી.











વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



