KUTCHMUNDRA

મુંદરાની હજામ શેરી દબાણ અને અસામાજિક તત્વોના ભરડામાં : તંત્રના મૌન પાછળ ‘વ્યવહાર’ની શંકા?

વાત્સલ્યમ્ સમાચાર,

મુંદરા-કચ્છ.

 

મુંદરાની હજામ શેરી દબાણ અને અસામાજિક તત્વોના ભરડામાં : તંત્રના મૌન પાછળ ‘વ્યવહાર’ની શંકા?

 

મુંદરા: મુંદરા શહેરના હજામ ફરીયા અને દરબારી શાળા વિસ્તારની હાલત અત્યારે દયનીય બની ગઈ છે. છેલ્લા અઢી વર્ષથી લારીધારકો અને વાહન ચાલકોએ રહેણાક વિસ્તારની ગલીઓમાં ગેરકાયદે અડીંગો જમાવ્યો છે જેના કારણે સ્થાનિક રહીશોનું જીવવું દુષ્કર બન્યું છે. રહીશ અબ્દુલ મજીદ સમા દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં એક અત્યંત ગંભીર બાબત સામે આવી છે કે આ વિસ્તારમાં માત્ર દિવસના સમયે ટ્રાફિક અને ગંદકી જ નહીં પરંતુ રાત્રિના સમયે અસામાજિક તત્વો અને નસેડીઓનો જમાવડો પણ વધ્યો છે. રાત્રિના અંધકારમાં નસેડીઓ અહીં દારૂ પીને ખાલી બાટલીઓ અને કોથળીઓ ફેંકી જાય છે જેની સીધી અને નકારાત્મક અસર શાળાએ જતા માસૂમ બાળકોના માનસ પર પડી રહી છે.

વારંવારની રજૂઆતો છતાં મુંદરા-બારોઈ નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી જેને લીધે હવે જનતામાં એવી પ્રબળ શંકા જાગી રહી છે કે શું દબાણકારો અને તંત્રના અમુક ભ્રષ્ટ જવાબદારો વચ્ચે કોઈ ‘આર્થિક મિલીભગત’ કે હપ્તાખોરીનો વ્યવહાર ચાલી રહ્યો છે? જો કોઈ લેતી-દેતી ન હોય તો પ્રજાની સુખાકારી માટે તંત્ર આટલું લાચાર કેમ છે? તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે.

વિસ્તારની વર્તમાન સ્થિતિ જોતા હવે જાણકાર લોકો અને રહીશોમાં એવો સુર ઉઠ્યો છે કે જો તંત્ર નિષ્ફળ સાબિત થતું હોય તો આ સમસ્યાના કાયમી ઉકેલ માટે છેલ્લે રહેવાસીઓ દ્વારા શેરીના છેડે ‘ગેટ’ બનાવી દેવો જોઈએ. ગેટ બનાવવાથી અજાણ્યા વાહનો, લારીઓ અને રાત્રે આવતા અસામાજિક તત્વો પર રોક લગાવી શકાશે. રહીશોએ માંગ કરી છે કે તંત્ર પોતાની શંકાસ્પદ ભૂમિકા છોડીને તાત્કાલિક કડક કાર્યવાહી કરે અન્યથા રહીશોને પોતાના હિત માટે સ્વેચ્છાએ રસ્તો સુરક્ષિત કરવાની ફરજ પડશે.

 

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!