રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
મુંદરા તપગચ્છ જૈન સંઘના ચાતુર્માસની ભાવભરી પૂર્ણાહુતિ: વિશ્વ શાંતિ માટે નમસ્કાર મહામંત્રના પ્રેરણાદાયી પ્રવચનો
મુંદરા, તા. 8 : શ્રી તપગચ્છ જૈન સંઘ મુંદરાનું આ વર્ષનું ચાતુર્માસ ચિંતામણી પાર્શ્વનાથ દાદાની અસીમ કૃપાથી અને વર્તમાન ગચ્છાધીપતિ પૂ. આચાર્ય ભગવંત કલ્પતરુ સુરિશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદથી ભારે ઉત્સાહભેર ઊજવાઈ રહ્યો છે. આ ચાતુર્માસમાં પૂજ્ય આચાર્ય ભગવંત તીર્થ ભદ્ર સૂરીશ્વરજીના શિષ્ય શ્રી તીર્થ વંદન વિજયજી મ.સા., શ્રી તીર્થ પ્રજ્ઞ વિજયજી મ.સા., અને શ્રી તીર્થ હીરવિજયજી મ.સા. તેમજ પૂજ્ય ચિત્રગુણા શ્રીજી મ.સા.ના શિષ્યા ચારુ પ્રશ્ના શ્રીજી મ.સા., ચારુ દ્રષ્ટિ શ્રીજી મ.સા., અને ચારુ પ્રેક્ષા શ્રીજી મ.સા. સહિત છ સંત-સતીજીઓએ પધારીને ધર્મલાભ આપ્યો છે. ચાતુર્માસના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સમસ્ત સંઘે ગુરુ ભગવંતોની વાણીનો મહત્તમ લાભ લીધો છે.
ચાતુર્માસના અંતિમ ચરણમાં, સંત-સતીજીઓએ મુંદરાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં – જેમાં શિશુમંદિર, નાની આર. ડી. માધ્યમિક શાળા, સંસ્કાર સ્કૂલ, અને બી.એડ. કોલેજનો સમાવેશ થાય છે – વિશ્વ શાંતિ માટે નમસ્કાર મહામંત્રના પ્રેરક પ્રવચનો યોજ્યા હતા. મહારાજ સાહેબે દરેકને દરરોજ સવારના વિશ્વ શાંતિ માટે મહામંત્રનું પઠન કરવાની શીખ આપી હતી. શિશુ મંદિરમાં વિદ્યાર્થીઓએ બંને હાથ જોડીને ઉમળકાભેર સ્વાગત કર્યું તે જોઈને મહારાજ સાહેબે પ્રભાવિત થઈ જણાવ્યું હતું કે આ સ્કૂલમાં ભણતર સાથે ગણતર (સંસ્કાર) પણ થઈ રહ્યું છે. આ પ્રસંગે જૈન સંઘ વતી શિશુ મંદિરના ટ્રસ્ટી માનદ મંત્રી આદરણીય પ્રકાશભાઈ રેવાલાલભાઈ પાટીદારનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. મહારાજ સાહેબે સંસ્કાર સ્કૂલના ડાયરેક્ટર દિલીપભાઈ ગોર, શિશુ મંદિરના પ્રિન્સિપાલ ધર્મિષ્ઠાબેન અને નાની આર. ડી. સ્કૂલના આચાર્ય વાલજીભાઈ ફફલની શૈક્ષણિક કામગીરીને બિરદાવી હતી.
રવિવારની ધર્મ શિબિરમાં મહારાજ સાહેબે ભાવિકોને જીવનમાં પોઝિટિવ બનવાની પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, નેગેટિવિટી માત્ર નુકસાન જ લાવે છે, માટે હંમેશા સકારાત્મક બનતા શીખવું જોઈએ. તેમણે ધાર્મિક ગ્રંથોનું મહત્ત્વ પણ સમજાવ્યું હતું, જેના ભાગરૂપે વિવિધ ધાર્મિક ગ્રંથોના ચડાવા લેવામાં આવ્યા હતા. જેમાં ચાર ગ્રંથોનો લાભ લોડાઈના મહેતા ચુનીલાલભાઈ ખેતસીભાઈ પરિવારે અને એક ગ્રંથનો લાભ લોડાઈના મહેતા ઘારસીભાઈ ખેતશીભાઈ પરિવારે લીધો હતો. પ્રમુખ હરેશ મહેતા અને માજી પ્રમુખ વિનોદભાઈ ફોફડીયાએ ગુરુ ભગવંતોના આગમનને ‘જેમ મેઘરાજા વરસાવે પાણી, એમ ગુરુ ભગવંતો વરસાવે વાણી’ સમાન ગણાવી, તેમના ઉપદેશોનું જીવનમાં અનુકરણ કરવાની ખાતરી આપી હતી.
આ ધાર્મિક અવસરે ભરત મહેતા, પપુભાઈ વોરા, મયૂર મહેતા, ભોગીભાઈ મહેતા, પંકજભાઈ શાહ, વિમલ મહેતા, સાગર મહેતા, વિપુલ મહેતા, હાર્દિક સંઘવી, ચંદ્રકાંતભાઈ શાહ, રોહિત મહેતા, સુરેશ મહેતા, નરેન્દ્ર મહેતા, મહેન્દ્ર મહેતા, મહેશ સંઘવી સહિતના બહોળી સંખ્યામાં જૈન બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સ્કૂલોમાં યોજાયેલા પ્રવચનો દરમિયાન રીતેશ પરિખ, ડિમ્પલબેન મહેતા, ધવલ એ. મહેતા, હર્ષ દોશી, દિવ્ય મહેતાએ વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો. એવું તપગચ્છ જૈન સંઘના સહમંત્રી વિનોદ મહેતાએ એક યાદીમાં જણાવ્યું હતું.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com