રીપોર્ટ : બિમલ માંકડ | પ્રતિક જોશી
મુન્દ્રા : શહેરના નાગ તલાવડી વિસ્તારના એક વંડામાં ગાંજા જેવા માદક છોડનું વાવેતર કર્યા હોવાની બાતમીના આધારે પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી. અને મુન્દ્રા શહેર પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન કરી અંદાજે ૨૬ કિલો માદક પદાર્થના ૫૬ છોડ ઉગાડનાર શખ્સ ઈશાક ફકીરમામદ કુંભાર (રહે.હરિનગર, મુન્દ્રા) વાળાને પકડી એન.ડી.પી.એસ. એક્ટ તળે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
એસ. ઓ.જી. પીઆઈ કે.એમ. ગઢવીએ ભુજ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં ઈશાકે આર્થિક સંકડામણ દૂર કરવા ગાંજા જેવા છોડનું વાવેતર કર્યાનું સામે આવ્યું છે. અગાઉ ક્યારેય આવી રીતે માદક દ્રવ્યનું વાવેતર કરીને વેંચાણ કર્યું છે કે નહિ તે દિશામાં તપાસ હાથ ધરાઇ છે. પીઆઈ ગઢવીના જણાવ્યા મુજબ જે વંડામાં માદક પદાર્થનું વાવેતર કરાયું છે તેની માલિકી અંગે પણ તપાસ ચાલુ છે, જો સરકારી જમીન પર અનાધિકૃત રીતે દબાણ કરાયું હોવાનું જણાશે તો તંત્ર દ્વારા ડીમોલિષન સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કાબિલેદાદ કાર્યવાહીમાં પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી. પીઆઈ કે.એમ.ગઢવી, મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ આર.જે.ઠુમ્મર, પીએસઆઈ એમ.એન.આદરેજીયા, એસ.ઓ.જી. ના એ.એસ.આઇ. સિદ્ધરાજસિંહ ઝાલા, હે.કો. ચેતનસિંહ જાડેજા, રઝાકભાઈ સોતા, ગોપાલભાઈ ગઢવી, મહિપતસિંહ સોલંકી તેમજ મુન્દ્રા પોલીસ મથકના એ.એસ.આઇ. દેવરાજભાઈ ગઢવી અને હે.કો. મુકેશભાઈ ચૌધરી જોડાયા હતા.