
રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
મુન્દ્રાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં શાંતિ અને સ્વાસ્થ્યના પાઠ ભણાવાયા
મુંદરા,તા.2 : તાજેતરમાં શહેરી આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. મેહુલ બલદાણીયાના માર્ગદર્શન હેઠળ મુંદરાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે આરોગ્યલક્ષી જાગૃતિ અને વ્યક્તિત્વ વિકાસનો કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં સુપરવાઇઝર બ્રહ્માકુમાર વિનોદભાઈ ઠક્કરે વિદ્યાર્થીઓને શાંતિ અને સંયમના પાઠ ભણાવતાં જણાવ્યું કે “ક્રોધ અને ગુસ્સાથી મુક્ત રહી મન પર કાબૂ મેળવવાથી હિંસાથી બચી શકાય છે તથા શાંત મનથી અભ્યાસ કરવાથી વધુ પ્રગતિ કરી શકાય છે.” સાથે જ તેમણે વ્યસનમુક્તિ અપનાવી સ્વાસ્થ્યમય જીવન જીવવાની પ્રેરણા આપી હતી.
એડોલેસન હેલ્થ કાઉન્સેલર મહેન્દ્ર વાઘેલાએ યુવાનોમાં જોવા મળતા જાતીય રોગો તથા તેનાથી બચવાના ઉપાયો અંગે સમજણ આપી હતી. તાલુકા ટી.બી. સુપરવાઈઝર મેઘજીભાઈ સોધમ તથા ટેકનેશીયન ચિરાગભાઈ પંડ્યાએ ટી.બી. અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ખુશ્બુબેન અસારી, આઈ.સી.ટી.સી.ના ગાયત્રીબેન ભોઈ તથા આરોગ્ય વિભાગના જીગ્નેશભાઈ પંચાલનો સક્રિય સહયોગ રહ્યો હતો.
વિદ્યાર્થીઓમાં એચ.આઈ.વી. અંગે જાગૃતિ લાવવા ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત કોલેજના પ્રિન્સિપાલ ડૉ. દીપકભાઈ ખરાડીએ શાબ્દિક સ્વાગત સાથે કરી હતી. અંતે વિદ્યાર્થીઓએ આવા કાર્યક્રમો દ્વારા જીવનમાં સકારાત્મક વિચારધારા અપનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.




વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)




