KUTCHMUNDRA

રાજયોગ દ્વારા “જિંદગી બને ખુશહાલ” — મુન્દ્રામાં આરોગ્ય કર્મચારીઓ માટે પ્રેરણાત્મક કાર્યક્રમ યોજાયો

રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.

રાજયોગ દ્વારા “જિંદગી બને ખુશહાલ” — મુન્દ્રામાં આરોગ્ય કર્મચારીઓ માટે પ્રેરણાત્મક કાર્યક્રમ યોજાયો

મુંદ્રા તા. 1 : જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીના માર્ગદર્શન હેઠળ દર શનિવારે યોજાતી “સમાજમાં વર્તન દ્વારા પરિવર્તન” શ્રેણીની બેઠક આ વખત રાજયોગના પાઠ સાથે “જિંદગી બને ખુશહાલ” વિષય પર રોટરી હોલ, મુન્દ્રા ખાતે યોજાઈ હતી.

બ્રહ્માકુમારી સંસ્થા, રોટરી ક્લબ અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આર્શીર્વચન આપતા બ્રહ્માકુમારી સુશીલાદીદીએ જણાવ્યું કે “માનવીનું મન એ જ મુક્તિનું કારણ છે. ખુશહાલ જીવન માટે સ્વયંને જ શીખવવું જરૂરી છે.”

રોટરી ચેરિટેબલ સોસાયટીના પ્રમુખ અને નગરપાલિકાના દંડક દિલીપભાઈ ગોરે આરોગ્ય કર્મચારીઓની સેવા પ્રશંસનીય ગણાવી તથા દરેક પરિવારના આયુષ્યમાન કાર્ડ વહેલી તકે બનાવવા માટે અપીલ કરી હતી.

જિલ્લા માહિતી અને શિક્ષણ વિભાગના ઈસ્માઈલ સમાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના “ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં 278 ટીબીના મુક્ત દર્દીઓ ચેમ્પિયનનું બિરુદ મેળવી અન્ય દર્દીઓ માટે પ્રેરણાદાયી અને માર્ગદર્શન બનશે.

તાલુકા આરોગ્ય અધિકારી ડો. યોગેન્દ્રપ્રસાદ મહતોએ આરોગ્ય કાર્યક્રમોની સમીક્ષા કરી હતી. તાલુકા ટીબી સુપરવાઇઝર મેઘજીભાઈ સોધમે કર્મચારીઓને સકારાત્મક ઊર્જા સાથે પ્રકાશ ફેલાવવા પ્રોત્સાહિત કર્યા હતા.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરાના સુપરવાઈઝર બ્રહ્માકુમાર વિનોદભાઈ ઠક્કરે નિવૃત્તિ પ્રસંગે પોતાના અનુભવો વર્ણવતા જણાવ્યું કે 35 વર્ષની સેવા દરમિયાન યોગ દ્વારા રોગ ભગાડી દવા વિના તંદુરસ્ત રહી આરોગ્યની મિશાલ ઉભી કરી હતી. નિવૃત્તિ પ્રસંગે તેમણે તમામ કર્મચારીઓને ભેટ અને ભોજન પ્રસાદ આપ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન તાલુકા હેલ્થ ઓફિસના સિનિયર ક્લાર્ક મહેશભાઈ રવિયાની બદલી થતા તેમને પણ વિદાય અપાઈ હતી.

પ્રવીણભાઈ કેરાસીયાએ સ્વરચિત કવિતા રજુ કરી, જ્યારે પ્રકાશભાઈ ગોહિલે વ્યસનમુક્તિ માટેના યોગદાનની યાદ તાજી કરી હતી.

કાર્યક્રમમાં ડો. મેહુલ બલદાણીયા (શહેરી આરોગ્ય કેન્દ્ર, મુંદરા), ડો. રુચિતાબેન ધુઆ (પી.એચ.સી. ઝરપરા), ડો. સંજય યોગી (શાળા આરોગ્ય) સહિત મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા હેલ્થ સુપરવાઇઝર હરિભાઈ જાટીયાએ કર્યું હતું.

 

Back to top button
error: Content is protected !!