
રિપોર્ટ : બિમલ માંકડ – પ્રતિક જોશી
રતનાલ : પૂર્વ કચ્છના અંજાર તાલુકાના રતનાલ ગામે રહેતા કચ્છ ઇલેક્શન આઇકોન નંદલાલ શામજી છાંગા જે ૯૫ ટકા દિવ્યાંગ છે. તેમની સાથે તેમના બે બહેનો ચંદ્રિકાબેન અને શાંતિબેન જેઓ પણ સો ટકા દિવ્યાંગ છે. આ પરિવારના પિતા ટ્રક ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ બાબતે પીડિત નંદલાલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અમો પરિવારમાં ત્રણ વ્યક્તિઓ સંપૂર્ણ દિવ્યાંગ છીએ અને સરકાર તરફથી અમોને મહિને હજાર રૂપિયાની સહાય મળે છે. આ ઉપજ માંથી અમો બચત કરીને અમો મરણ મૂડી જમાં કરીએ છીએ.
પીડિતના કૌટુંબિક કાકા વાલજી ગોપાલ છાંગા જેમને દોઢ વર્ષ અગાઉ તેની પુત્રીના લગ્નબાદ પાછા પગ કરવાની રસમ માટે તેઓએ પીડિત દિવ્યાંગ પાસેથી સાડાત્રણ લાખ રૂપિયા બે મહિના માટે ઉછીના માંગેલ. પોતાના પરિવારના સભ્ય હોવાના લીધે પીડિતે કોઈ આધાર પુરાવા લીધા ન હોવાથી રકમ પરત આપવામાં આવતી નથી. દિવ્યાંગ પીડિતને તારી પાસે કોઈ લેખિત પુરાવા નથી તારાથી થાય તે કરી લે તેવી ધમકીઓ ફરિયાદીના કાકા વાલજી છાંગા દ્વારા આપવામાં આવી રહી છે. પીડિતે આ મામલે અંજાર પોલીસ સ્ટેશન ખાતે ન્યાય મેળવવા મૌખિક તેમજ લેખિત અરજી પણ આપવામાં આવી છે. પોતાની મરણ મૂડી પરત મેળવવા તંત્ર સમક્ષ માંગણી કરી છે ઉચ્ચ તંત્ર દ્વારા દિવ્યાંગ પરિવારે અરજીમાં કરેલા આક્ષેપો બાબતે તપાસ કરીને છેતરપિંડીમાં ગયેલી મરણ મૂડી પરત અપાવવી જોઇએ તેવા સુર રતનાલ ગામમાં પણ ઉઠવા પામ્યા છે. આ દિવ્યાંગ પરિવારને ન્યાય મળશે કે કેમ તેના પર લોકોની મીટ મંડાઈ છે.




