નેત્રંગના અશનાવી ગામે પોલીસના દરોડા, એક ઓરડીમાંથી 1,500 લિટર ડીઝલ જપ્ત

સમીર પટેલ, ભરૂચ
ટ્રકના ડ્રાઇવરોના મેળાપીપણામાં ચાલતાં ડીઝલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો
નેત્રંગ – ઝઘડિયા રોડ પર આવેલાં અશનાવી ગામે હરેશ વસાવા નામનો એક શખ્સ ટ્રક-ડમ્પરના ડ્રાઇવરો સાથે મેળાપીપણામાં ડીઝલ કાઢી છુટક વેચાણ કરતો હોવાની ચોક્કસ બાતમી ભરૂચ એસઓજીના કોન્સ્ટેબલ સુરેશ વણઝારાને મળી હતી. તેમણે તેમના અધિકારી પીઆઇ એ. એ. ચૌધરીને સમગ્ર મામલાથી વાકેફ કરતાં તેઓએ ટીમ બનાવી સ્થળ પર દરોડો પાડ્યો હતો. ટીમે ગામના પાદરમાં રહેતાં હરેશ વસાવાના ઘરે તપાસ કરતાં તેના ઘરની સામે બનાવેલી ઓરડીમાં તપાસ કરતાં ગેરકાયદે રીતે અલગ અલગ બેરલ-કેનમાં ડીઝલનો જથ્થો ભરેલો હોવાનું માલુમ પડ્યું હતું. જેનું માપ કરતાં ત્યાં કુલ 1.36 લાખથી વધુની મત્તાનું 1520 લીટર ડીઝલ હોવાનું જણાયું હતું. ટીમે તેના સેમ્પલ એફએસએલમાં મોકલી હાલના તબક્કે શંકાસ્પદ જથ્થા અંગેનો ગુનો નોંધ્યો છે. રિપોર્ટ આવ્યાં બાદ તેના આધારે ઝડપાયેલાં હરેશ મનુ વસાવા વિરૂદ્ધ આવશ્યક ચીજવસ્તુઓની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવશે. ડ્રાઇવરો પાસેથી સસ્તામાં ખરીદી સસ્તામાં વેચતો હતો રેતી-કપચી સહિત અન્ય ખનીજોના વહન માટે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ટ્રક-ડમ્પરો પસાર થતાં હોય છે. ત્યારે હરેશ વાહનોના ડ્રાઇવરોનો સંપર્ક કરી તેમની પાસેથી એકંદરે અડધાથી વધુ ભાવમાં ડીઝલ ખરીદી લેતોહતો. જે બાદ તે તે જ ડીઝલ અન્ય વાહન ચાલકોને બજારભાવ કરતાં સહેજ સસ્તામાં વેચી નફો મેળવતો હતો.




